કાર્યવાહી:ભચાઉ પાસેથી 1.06 લાખના ચોરાઉ મોબાઇલ સાથે 1 ઝડપાયો

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાડીઓમાં ચાર્જ રાખેલા ફોન ચોરતો હતો : 2.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભચાઉ સામખિયાળી વચ્ચે કસ્ટમ ચાર રસ્તા પાસે બાતમીના આધારે વોચમાં ઉભેલી પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ગાડીમાં ચાર્જમાં પડેલા મોબાઇલ ચોરી કરતા શખ્સને રૂ.1.06 લાખની કિંમતના 15 ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી તેના પાસેથી કુલ રૂ.2.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપ્યો હતો.

એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.એન.સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભચાઉના શીકરા ગામે થયેલી મોબાઇલ ચોરી તેમજ બીજા ચોરાઉ મોબાઇલ વેંચવા એક ઇસમ ભચાઉ તરફ આવી રહ્યો હોવાની બાતમીના આધારે કસ્ટમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી.

આ વોચ દરમિયાન સામખિયાળી ચાર રસ્તા ચામુંડા હોટલ પાછળ રહેતા આદમખાન બાદરખાન પઠાણને રોકી તેની પાસે રહેલી કપડાની થેલીમાં તપાસ કરતાં ઘણા મોબાઇલ મળી આવતાં આ બાબતે પુછપરછમાં આ તમામ મોબાઇલ તેણે ચોરી કરીને મેળવેલા હોવાની કબૂલાત આપતાં રૂ.1,06,000 ની કિંમતના 15 ચોરાઉ મોબાઇલ સાથે તેને પકડી લઇ રૂ.75,400 રોકડ , રૂ.35,000 ગુનામાં વાપરેલું બાઇક તથા રૂ.2,000 ની કિંમતનું સ્માર્ટ વોચ મળી કુલ રૂ.2,18,400 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસ મથકને સોંપ્યો હતો.

મકાન, દુકાન અને ગાડીમાં ચાર્જમાં રહેલા ફોન ચોરી કરતો હતો
ભચાઉ પાસે 15 ચોરાઉ મોબાઇલ સાથે પકડાયેલો આરોપી આદમખાન બાદરખાન પઠાણ રાત્રીના સમયે બાઇક લઇને નિકળી ગામના રોડની નજીક આવેલા મકાન, દુકાન, કેબીન કે હોટલ ઉપર ઉભેલી ટ્રકોમાં ચાર્જિંગમાં રાખેલા મોબાઇલ ફોનની ચોરી કરતો હોવાનું પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...