ગરમીનો પ્રકોપ:ગઢશીશા વિસ્તારમાં કેસર કેરીના પાકને ગરમીનો પ્રકોપ નડતા ફાલ ઓછો ઉતરશે

ગઢશીશાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 કિલોના 800થી એક હજારના ભાવે થઇ રહ્યા છે સોદા

માંડવી તાલુકાનો ગઢશીશા વિસ્તાર કેસર કેરીના પાક માટે હબ ગણાય છે પણ ગત સપ્તાહે પડેલી કાળઝાળ ગરમી અને રાત્રે ઝાકળ વર્ષા સહિતની પ્રતિકૂળતાઓને કારણે કેસરના પાકને અવળી અસર પડશે. જો કે, હાલે 10 કિલો કેરીના 800થી એક હજારના ભાવે સોદા થઇ રહ્યા છે. બે-ત્રણ માસ પહેલાં કેરીના વૃક્ષો પર સારા પ્રમાણમાં મોર ઉગી નીકળ્યા હતા પણ વાતાવરણ બદલાઇ જવાની સાથે વેગીલો વાયરો ફૂંકાતાં મોર ખરી પડ્યા હતા.

મોટી મઉંના ભગવતસિંહ જાડેજા, રત્નાપરના મહેન્દ્ર રામાણી, શાંતિલાલ ભીમાણી, અરજણ નાકરાણી, રાજેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ કેસરનો ધારણા મુજબનો પાક ઉતર્યો ન હતો. ખીરસરા, વેરસલપર, ગઢશીશા, દેવપર, કોટડા, લુડવા, દરશડી, મકડા સહિતના ગામોમાં સારા પ્રમાણમાં માલ ઉતરવાની શક્યતા ધૂંધળી જણાય છે. કેરીના વૃક્ષોને સમયસર પાણી, ખાતર, દવાનો છંટકાવ, ઉધઇથી રક્ષણ માટે ઘેરૂ અને મોરથૂથૂના મિશ્રણ સાથે થડને રંગવા સહિતની મહેનત માગી લે છે તેવામાં ધારણા મુજબ પાક ન મળતાં કિસાન નિરાશ થઇ જાય છે.

એકંદરે આ વખતે કેસર કેરીના સારા ભાવ મળશે તેમ ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે. ભુજ, અંજાર, ગાંધીધામ તેમજ માંગરોળ, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને અમદાવાદ સહિતના વિસ્તારોના વેપારીઓ કેસર કેરીના બગીચાઓનો વેપાર કરવા આવી ગયા છે તેમ કહેતાં બુધિયાભાઇ જોગીએ ઉમેર્યું હતું કે, હાલે 10 કિલોની પેટીના 800થી એક હજાર રૂપિયાના ભાવે સોદા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...