તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઉગેડી પાસે મધરાત્રે ટ્રક અને એસટી બસનો સર્જાયો ગમખ્વાર અકસ્માત ,બે ડ્રાઇવરના મોત : 6 ઘાયલ

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ડેપોની એસટી બસના ચાલકે ઓવર ટેકની લાયમાં સર્જયો અકસ્માત
  • બન્ને ગાડીની કેબીનનો ખુડદો બોલી ગયો : ફસાયેલા ટ્રક ચાલકને મહામહેનતે લોકોએ બહાર કાઢ્યો

નખત્રાણા તાલુકાના રવાપર ઉગેડી પાસે શનિવારે પરોઢે સર્જાયેલા એસટી બસ અને ટ્રક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ઓરટેક કરવા જતાં એસટી બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ જતાં ઘટના સ્થળ પર બન્ને વાહન ચાલકોના મોત થયા હતા. જ્યારે કંડકટર સહિત 6 પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ સ્થળ પર જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણાના રાધનપુર ડેપોમાંથી માતાનામઢ જવા પેસેન્જરોને લઇને જતી જી.જે.18 ઝેડ 6654 નંબરની એસટી બસના ચાલકે ઉગેડી પાસે પરોઢે સાડા ત્રણ વાગ્યાના અરસામાં આગળ જતી એક ટ્રકને ઓવર ટેક કરવા રોંગ સાઇડ પરથી બસ કાઢતાં સામેથી આવતી ટ્રક જી.જે.12 ઝેડ 1274 વાળી સાથે ધડાકા સાથે અથડાઇ હતી. જેને કારણે સ્થળ પર જ સાબરકાંઠાના તલોદના રૂપલ ગામના એસટી બસના ચાલક જસવંતસિંહ કિશોરસિંહ ઝાલા અને મોમાયમોરા ગામના ટ્રક ચાલક પબા હમીર રબારી (ઉ.વ.20) બન્ને ડ્રાઇવરોઓ કેબીનમાં સ્ટેઅરિંગ વચ્ચે ફસાઇ જતાં બન્નેના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે બસ કંડકટર અને પેસેન્જરો સહિત 6 વ્યક્તિઓને ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની પગલે હાઇવે માર્ગ રોડની બન્ને સાઇડ વાહનોની કતાર લાગી ગઇ હતી. પોલીસ તથા નખત્રાણા એટી સ્ટાફ સ્થળ પર પહોંચીને માર્ગ ખુલ્લો કર્યો હતો. નખત્રાણા પોલીસે એસટી બસના કંડકટર પંકજકુમાર ગણેશભાઇ પ્રજાપતિ મંડાલી જિલ્લો બનાસકાંઠાની ફરિયાદ પરથી બેદરકારીથી એસટી બસ ચલાવનાર મૃતક ડ્રાઇવર સામે ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ એન.કે.ખાંભડે હાથ ધરી છે.

અકસ્માતમાં કંડકટર અને પેસેન્જરોને ઇજા પહોંચી
અકસ્માત સર્જનાર એસટી બસના કંડકટર પંકજભાઇ ગણેશભાઇ પ્રજાપતિ (ઉ.વ.39), પાલનપુરના સુભાષભાઇ નાજુમલ મહેશ્વરી (ઉ.વ.58) અને ધોડકા અમદાવાદના ગણપતભાઇ હોથીભાઇ મંડોરા, દિનેશભાઇ સામાભાઇ ઠાકોર (ઉ.વ.25), કિશન સોમાભાઇ ઠાકોર (ઉ.વ.18), સહિત 6 વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કોટડા (જ) પાસે ટ્રકની ટકકરે બે ઘાયલ
નખત્રાણા તાલુકાના કોટડા જ રોડ પર ટ્રકની અડફેટે ચડેલા બાઇક સવાર કાના દેવા રબારી રહે ખાભલા તેમજ ભીમા દેવા રબારી રહે રાસલીયાને ઇજા પહોંચી હતી. બન્ને ઘાયલોને સારવાર અર્થ 108 મારફતે નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...