તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો પાણીની સમસ્યાથી ત્રાહીમામ:લખપત તાલુકામાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો

દયાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસહ્ય ગરમી વચ્ચે લોકો પાણીની સમસ્યાથી ત્રાહીમામ
  • સરકારી તંત્ર અને લોકપ્રતિનિધિઅો હંમેશાની જેમ કોઇ કામના નહીં
  • અનેક વિસ્તારોમાં લોકો તળાવનું દૂષિત પાણી પીવા મજબૂર
  • ઝડપથી કોઇ હલ નહીં કઢાય તો પરિસ્થિતિ વિકરાળ બનશે

એક તરફ કચ્છ સહિત લખપત વિસ્તારના લોકો માંડ કોરોના મહામારીમાંથી બેઠા થઇ રહ્યા છે, તો બીજી તરફ હાલની ઉનાળાની વિકઠ ગરમી અને પ્રખર તાપને કારણે છેલ્લા એકાદ મહિનાથી અા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાતા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. તો બીજી તરફ અનેક વખતની લોકોની રજૂઆતો બાદ પણ પાણીનો પ્રશ્ન હલ નથી થતો.લખપત તાલુકામાં સ્થાનિકે કોઇ પીવાના પાણી માટેના સ્ત્રોત ન હોવાને કારણે લોકોને ખીરસરા-નેત્રા સંપ દ્વારા લાઇન મારફતે આવતા પાણી પર મદાર રાખવો પડે છે.

તો બીજી તરફ જો ક્યારેક લાઇનમાં ભંગાણ સર્જાય તો માંડ પાંચ-સાત દિવસે લોકોને અનિયમિત અને અપુરતુ પાણી મળે છે. હાલમાં છેલ્લા એકાદ મહિનાથી તાલુકામાં સર્જાયેલી પીવાના પાણીની સમસ્યાથી લોકોની મુશ્કેલી વધી ગઇ છે. તો બીજી તરફ તાલુકા મથક દયાપર ખાતે આવેલી સ્થાનિક કચેરીમાં પણ લાંબા સમયથી ખાલી પડેલી મુખ્ય અધિકારીઓની જગ્યાઓને વચ્ચે ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઅો નિયમિત અહીંની કચેરીમાં આવતા નથી કે નથી તાલુકાના વિસ્તારમાંનો કોઇ પ્રવાસ કરતા.

એટલુ ઓછુ હોય તેમજ જ્યારે પાણીની સમસ્યા સર્જાય ત્યારે કોઇ આગેવાન કે લોકો પાણી માટે ફોન કરે ત્યારે ઉપરથી જ પાણી નથી આવતું તેવા ઉડાઉ જવાબે આપતા હોવાના પણ લોકો દ્વારા આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે અા વિસ્તારમાં સર્જાયેલી પાણીની વિકટ પરિસ્થિતિનો પ્રશ્ન ક્યારે હલ થશે તેવો સવાલ આ વિસ્તારની પ્રજા કરી રહી છે.

તો બીજી તરફ તાલુકા મથક દયાપર ખાતેની પાણી પુરવઠા કચેરીમાં લાંબા સમયથી મુખ્ય અધિકારીની ખાલી પડેલી જગ્યા પર સુપરવાઇઝરને ડેપ્યુટીના ચાર્જ પર ચલાવાય છે, કચેરીમાં કાયમી અધિકારી પણ નથી. તાલુકાના ગુનેરી, અરડા, સાંયરા, સિયોત, છુગેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની સખત ગરમીમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હોવાનું તા.પં. સદસ્યના પ્રતિનિધિ જશુભા ગોમાજી જાડેજાએ જણાવ્યું હતું.

આ વિસ્તારમાં પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી આ અંગે સંબંધિત તંત્રના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ છેલ્લા એક મહિનાથી સર્જાયેલા પાણીની સમસ્યાનો કોઇ અંત આવ્યો નથી. વિસ્તારના અવાડા પણ ખાલી પડયા છે, જેના કારણે મૂંગા પશુઓ પણ સાંસા મારી રહ્યા છે. વહેલી તકે પાણીના પ્રશ્નનો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વિસ્તારના લોકો સાથે ઉપવાસ પર ઉતરવાની પણ મૌખિક રજૂઆત સાથે ચીમકી આપી છે.

લખપત તા.પં. પૂર્વ સદસ્ય કાસમ હાજી જકરીયા જતે જણાવ્યું હતું કે સાંધ્રોવાંઢ, મીંઢીયારી, લેખડા, ચામરા, સુભાષપર, ચકરાઈ, ખાણોટ, છેલ્લાવાંઢ સહિતના ગામોમાં પીવાના પાણી માટે લાઈનો છે પરંતુ અનિયમિત અને અપુરતું પાણી આવતું હોવાથી લોકોની હાલત કફોડી બની છે. આઠ-દસ દિવસે માંડ અનિયમિત અને અપુરતું પાણી આવતું હોવાના કારણે આ અંગે પાણી પુરવઠા તંત્ર સમક્ષ મૌખિક કે ફોન દ્વારા રજૂઆતો કરવા છતાં પણ કોઈ પ્રકારની અધિકારીઓ કર્મચારીઓ દ્વારા દાદા આપવામાં આવતી નથી. વહેલી તકે આ વિસ્તારમાં નિયમિત પાણી મળી રહે તેવી માંગ પણ તેમના દ્વારા કરાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાઈન દ્વારા ખીરસરાથી મળતા નર્મદાના પાણીને લઈને જો જિલ્લામાં અન્યત્ર કોઈ વિક્ષેપ સર્જાય તો આ વિસ્તારમાં તેની અસર પડે છે. જો કે જે વખતે દયાપર કચેરીને ઘેરાવ કર્યો હતો ત્યારે ગામના આગેવાન હસમુખભાઈ પટેલે જો તાલુકામાં પીવાના પાણીની તંગી સર્જાય ત્યારે તાલુકાના ગોધાતડ ડેમનું પાણી આપવા અંગેની રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી આ મુદ્દે સંબંધિત તંત્ર દ્વારા કોઈ પ્રકારની દરકાર લેવામાં આવી નથી.

લોકોનો વેધક સવાલ: આગેવાનો, નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર નામના છ ે?
દયાપર : અત્રે ઉલ્લેખનીય છે કે લખપત તાલુકામાં બની બેઠેલા આગેવાનો, નેતાઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણે નામના હોય તેવો વેધક સવાલ લોકો કરી રહ્યા છે. તાલુકામાં પીવાના પાણીનો પ્રશ્ન હોય કે આરોગ્ય, શિક્ષણ, રસ્તા તેવા મામલે માત્ર કાગળ પર રજૂઆત કરનારા પ્રજાકીય પ્રતિનિધિઓ કોરોના મહામારી દરમિયાન આજદિન સુધી તાલુકામાં એક પણ કોવિડ કેર સેન્ટર કે ક્યાંય ઓક્સિજન બેડ સાથેનું સેન્ટર શરૂ કરાવી શક્યા નહોતા. તેમજ 18+ માટે બીજું રસીકરણ સેન્ટર પણ ચાલુ કરાવી શક્યા નથી.

કોટડા મઢમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ: રોગચાળો ફેલાવાની દહેશત
તાલુકાના કોટડા મઢ ગ્રા.પં.ના સરપંચ આદમભાઈ રાયમાએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં છેલ્લા આઠ દસ દિવસથી એક ટીપું પણ પાણી ન આવતા લોકોને ગામથી દોઢ કિ.મી. દૂર આવેલા તળાવનું દૂષિત પાણી પીવું પડે છે. જેનો ઉપયોગ પશુઓ પણ કરતા હોવાથી રોગચાળો ફેલાવવાની દહેશત છે. ગામના લોકો જીપ, ટ્રેકટર, બાઈક જેવા વાહનો દ્વારા આ પાણી ભરવા જાય છે.

કચેરીને ઘેરાવ કર્યો, છતાં નિરાકરણ નહીં
દયાપરમાં પણ માંડ બે દિવસે એકાદ કલાક જેટલું અનિયમિત પાણી આવે છે. લગભગ બે મહિના પૂર્વે ગામમાં પાણીની સમસ્યાને લઈને દયાપર ખાતેની કચેરીને ઘેરાવ કર્યો હતો અને તાળાબંધી પણ કરવાના મૂડમાં હતા પરંતુ જે-તે વખતે અધિકારીઓ દ્વારા લેખિત ખાત્રી પણ આપવામાં આવી હતી પરંતુ હજી તેનું નિરાકરણ કરાયું નથી.

અન્ય સમાચારો પણ છે...