વાવેતર:નાની વિરાણીના કિસાને તાલુકામાં પ્રથમવાર વાલનું વાવેતર કર્યું

દયાપર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 એકરમાં પાક ઉગી નીકળ્યો, 12 લાખ જેટલી આવકનો અંદાજ

વારંવાર અપૂરતા વરસાદની સમસ્યાનો સામનો કરતા લખપત તાલુકાના ભૂતળમાં ખારાશવાળું પાણી હોતાં અનેક ધરતીપુત્રોએ ખેતી કામ છોડી દીધું છે તેવામાં નાની વિરાણીના યુવા કિસાને પંથકમાં પ્રથમવાર વાલની સફળ ખેતી કરી છે. 20 એકર જેટલી જમીનમાં વાલનો પાક ઉગી નીકળ્યો છે અને જો બધું સમું સૂતરૂં પાર પડશે તો 12 લાખ જેટલી આવકનો અંદાજ ખેડૂતે વ્યક્ત કર્યો હતો.

વિરાણીમાં રહેતા પ્રગતિશીલ કિસાન પ્રફૂલ દામજી હળપાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેમની દયાપર-વિરાણી માર્ગે આવેલી 30 પૈકીની 20 એકર જમીનમાં પ્રથમવાર વાલનું વાવેતર કર્યું છે. 1200 ટીડીએસ જેટલા ક્ષાર સાથેનું પાણી બોર મારફતે મેળવી ખેતરમાં ઢાળિયા બનાવીને પીયત કરાય છે.

આ માટે ગઢશીશામાંથી 45 કિલો જેટલું બિયારણ ખરીદ્યું હોવાનું કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, વાલની ખેતીમાં પાણી અને માવજતની જરૂર ઓછી પડે છે. ચારેક માસ પહેલાં પાક લીધો હતો જે હવે ઉતરવાની તૈયારીમાં છે. 12 લાખ જેટલી નીપજ થવાનો અંદાજ તેમણે વ્યક્ત કર્યો હતો. મગફળી અને એરંડા કરતાં વાલનું વાવેતર ફાયદાકારક છે તેમ કહેતાં વર્તમાન પાણીની સ્થિતિને અનુલક્ષી કિસાનોને બાગાયતી પાક તરફ વળવાનું સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...