રજૂઆત:મુરચબાણની સીમમાં પરવાનગી વિના થતું પવનચક્કીનું કામ બંધ કરો

દયાપર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો દ્વારા કચ્છ કલેકટરને આવેદનપત્ર અપાયું

લખપત તાલુકામાં ખાનગી કંપનીઓ દ્વારા અનેક વિસ્તારોમાં આડેધડ ગેરકાયદેસર રીતે પવનચક્કી ઊભી કરવામાં આવી છે તેમજ હજુ પણ ઠેર ઠેર ઉભી કરવાની કામગીરી ચાલુ છે. તેના નિર્માણ કાર્યમાં કામ કરતી કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન કાઢીને પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ અગાઉ અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં પણ જવાબદારો સામે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાનું આ વિસ્તારની પ્રજામાં મોટા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે.હવે તાલુકાના મુરચબાણા વિસ્તારની સીમમાં અદાણી કંપની દ્વારા ગેરકાયદેસર રીતે થયેલા પવનચક્કીના બાંધકામને તાત્કાલિક દૂર કરવા લેખિત રજૂઆત જિલ્લા કલેકટરને કરવામાં આવી છે. 

તાલુકાના મુરચબાણા, કલરાવાંઢ તેમજ સુખપરવાંઢ વિસ્તારના જત નુરમામદ કાસમ, રબના ભચા જત, કાસમ જત, અલ્લાબક્ષ તેમજ ભલ્લી રમઝાન સહિતના લોકો દ્વારા કલેકટરને લેખિતમાં જણાવેલ કે આ વિસ્તારમાં અંદાજે 300 જેટલા લોકોની વસ્તી છે તેમજ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ત્યારે મુરચબાણાની ઉત્તર દિશાની સીમ વિસ્તારને આશાલડી ગામની હદ સમજીને અદાણી પોર્ટ કંપની દ્વારા ગેરકાયદેસર અને પરવાનગી વિના પવનચક્કીનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 

આ વિસ્તારમાં પવનચક્કી માટે કોઈપણ જમીનની મંજૂરી આપવામાં આવી નથી તેમ છતાં ખાનગી કંપનીના માણસો દ્વારા દબાણ કરી આજુબાજુની ખેતીની જમીન તથા વન વિભાગની જમીનને નુકસાન કરી ખાડાઓ ખોદી રહ્યા છે અને વૃક્ષો તેમજ ખનીજ સંપતિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાતા, તેઓને ધાક-ધમકી આપીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. આ ગેરકાયદેસરની કામગીરીને અટકાવીને તાત્કાલિક તપાસ કરવાની માંગ અરજદારો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...