રજૂઆત:કચ્છમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી સમક્ષ શાૈક્ષણિક પ્રશ્નોનો ખડકલો !

દયાપર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દયાપર કોલેજની 8 કરોડની ગ્રાન્ટ વહીવટી વિલંબથી લેપ્સ થઇ !
  • લખપતની મુલાકાત વખતે મંત્રી સમક્ષ કરાઇ રજૂઅાત

લખપત તાલુકાની એક દિવસીય મુલાકાતે આવેલા મંત્રી કુબેરભાઇ ડીંડોરે દયાપર ખાતેની સરકારી કોલેજની લીધેલી મુલાકાત દરમ્યાન પણ તેમની સમક્ષ શિક્ષણને લખતી અનેક ગંભીર રજૂઅાતો કરાઇ હતી. મંત્રીઅે લખપતમાં વહેલી તકે કોલેજના મકાનની સાથે છાત્રો માટે હોસ્ટેલ બનાવવાની પણ વાત કરી હતી.

શુક્રવારે રાત્રી રોકાણ માતાના મઢ કર્યા બાદ રાજ્યમંત્રી કુબેરભાઇ વહેલી સવારે મા આશાપુરના દર્શન કર્યા બાદ પ્રથમ તેઓ કોટેશ્વર તેમજ ના.સરોવર દર્શનાર્થે ગયા હતા. બાદમાં દયાપર ખાતેની મહારાવ લખપતજી સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની લીધેલી મુલાકાત દરમ્યાન અહીં ઉપસ્થિત કોલેજના સ્ટાફ પાસેથી શિક્ષણ તેમજ સ્ટાફ અંગેની માહિતી માંગી હતી. ઉપસ્થિતો દ્વારા અહીં પુરતા પ્રમાણમાં સ્ટાફ આવે, જેવી રીતે સરકારી ગર્લ્સ હોસ્ટેલ છે તેવી રીતે બોયસ માટે પણ અહીં હોસ્ટેલનું નિર્માણ થાય તેવી રજૂઆત કરાઇ હતી.

આ તકે ભાસ્કરે પૂછ્યુ હતું કે લાંબા સમયથી દયાપર ખાતે કોલેજ ચાલુ છે ત્યારે આ કોલેજ માટે જમીન તેમજ ગ્રાન્ટ મંજુર થઇ ગયા બાદ હજુ સુધી કોલેજ નિર્માણનું કામ કેમ નથી થયું...? તેમજ હાલમાં અહીં ઉચ્ચતર વિજ્ઞાન પ્રવાહની સ્કુલમાં કોલેજનું શિક્ષણ તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ગામમાં પોતાનું સંકુલ હોવા છતાં દોઢ બે કિ.મી. દુર મોડેલ સ્કુલ ખાતે અભ્યાસ કરવા જવુ પડે છે આવું ક્યાં સુધી ચાલશે ? તેના જવાબમાં મંત્રીઅે જણાવ્યું હતુ કે, હાલમાં દયાપર વિજ્ઞાન પ્રવાહમાં 32 જેટલા છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. તે સાથે તેમણે ઉમેર્યું હતુ કે અહી કોલેજની મંજુરી મળી ગઇ છે. ત્યારે આવનારા સમયમાં બિલ્ડીંગ વ્યવસ્થા થાય તેની સરકારમાં અા અંગે રજૂઅાત કરીને કોલેજનું અલાયદુ બિલ્ડીંગ થાય તેના પ્રયત્નો કરાશે. અહી વિદ્યાર્થીઓ માટે નવુ હોસ્ટેલ બને તે માટેની પણ વ્યવસ્થા આવનારા સમયમાં કરાશે તેવી તેમણે હૈયા ધારણા આપી હતી.

રાજ્યમંત્રી સમક્ષ માતાના મઢ ગ્રા.પં.ના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ દયાપરમાં કાર્યરત કોલેજ માટેની જમીન પર વહેલી તકે નવું શૈક્ષણિક સંકુલનું નિર્માણ થાય તે માટેની લેખિત રજૂઆત પણ કરી હતી. તથા કોલેજ માટેની 8 કરોડની ગ્રાન્ટ વહીવટી કારણોસર લેપ્સ થઇ હોવાનો પણ દાવો કરાયો હતો. મંત્રીનું કોલેજમાં નરેન્દ્રભાઇ પરમાર, કાંતિભાઇ સીજુ, ગોપાલભાઇ વણકર, વાલજીભાઇ ખોખર, કાનજીભાઇ ખોખર તેમજ મોડેલ સ્કુલના સંજયભાઇ તથા દયાપરના પુનિત ગોસ્વામી સહિતનાએ સન્માન કરી આવકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...