લખપત તાલુકાના સુભાષપર નજીક હાઇવે પર સોમવારે થયેલા અકસ્માતમાં પાન્ધ્રો પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાનું મોત થતાં તાલુકા શિક્ષક સમાજમાં શોકનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં દયાપર પાન્ધ્રો હાઇવે પર સુભાષપર ગામથી અંદાજિત દોઢેક કિલોમીટરના અંતરે અકસ્માતનો બનાવ બન્યો હતો. પાન્ધ્રો પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા ૪૫ વર્ષીય હીનાબેન જીતેન્દ્રભાઈ પટેલ પોતાની એક્ટિવા લઇ દયાપર ગામથી પરત જઇ રહ્યા હતા ત્યારે સુભાષપર નજીક કાબુ ગુમાવતાં એક્ટિવા માર્ગની બાજુમાં આડી પડી ગઈ હતી.
શિક્ષિકાને મગજનાં ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. આઅકસ્માત અંગેની જાણ શિક્ષકોને થતા તરત જ તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને હતભાગી હીનાબેન ને દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા. તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ ઉપલાણાને અકસ્માતની જાણ થતાં તેઓ તાત્કાલિક દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. આ પગલે શિક્ષક સમાજના રોહિતસિંહ, રાજીભાઈ દેસાઇ, જે.જી. મહેશ્વરી, ગિરિરાજ સિંહ, આરબ જત સહિતના મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. નારાયણ સરોવર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
હતભાગી મૂળ વિસનગર જિલ્લાના
હીનાબેન જિતેન્દ્ર ચૌધરી મૂળ વિસનગરના સાવલિયા ગામના રહેવાસી હતા, તેઓ પાન્ધ્રોના વિસ્તારમાં રહેતા હતા અને પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા, હતભાગી પોતાના માતા-પિતા અને પુત્ર સાથે રહેતા હતા. તેમનાં સંતાનમાં એક પુત્ર હોવાનું અને તે બારમા ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પતિ અશ્વિનભાઈ પટેલ ગાંધીનગર ખાતે વીજ પાવર પ્રોજેક્ટમાં નોકરી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.