આસ્થા:રવિવારે મઢમાં 10 હજાર ભાવિકોએ માથું ટેકવ્યું

દયાપર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવલા નોરતાને લઇને શ્રધ્ધાળુઅોનો અાગળ ધપતો પ્રવાહ: કેમ્પ ન હોવા છતાં પણ પદયાત્રીઓની આસ્થામાં જરા પણ કમી નહીં

નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઅોનો પ્રવાહ માતાના મઢ ભણી અાગળ ધપી રહ્યો છે તેવામાં રવિવારે 10 હજાર ભાવિકોઅે મઢવાળીના દરબારમાં માથું ટેકવ્યું હતું. અાસો નવરાત્રિ મહોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાના મઢમાં મા અાશાપુરાના દર્શનાર્થે અાવતા હોય છે. હાલે પદયાત્રીઅોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે અને મઢ જાગીરે પણ ભાવિકોના ધસારાને લઇને પૂરતી તૈયારીઅો કરી દીધી છે.

કોરોનાના કારણે માતાજીનું મંદિર ભાવિકો માટે બંધ રહ્યા બાદ અા વખતે મેળો ન યોજીને મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્લા રખાયા છે અને પદયાત્રીઓની સેવા માટે કેમ્પ ઉભા કરવા પર પણ તંત્ર દ્વારા પ્રતિબંધ લદાયો છે. રવિવારે 10 હજાર ભાવિકોઅે માતાજીના દર્શન કરી પ્રસાદ લીધો હતો. મઢ જાગીરના મયૂરસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, રવિવારે સવારથી બપોર સુધી ભાવિકોની ભીડ જોવા મળી હતી, જો કે, બપોર બાદ સંખ્યા અોછી થઇ ગઇ હતી. અત્રે એ નોઁધનીય છે કે, ગત વર્ષે કોરોના વકરતાં આસો અને ચૈત્રી નવરાત્રિ દરમ્યાન ઇતિહાસમાં પ્રથમ વખત ભાવિકો માટે આશાપુરા માતાજીના મંદિરના દ્વાર બંધ કરાયા હતા. અા વખતે કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને વરસાદી માહોલ વચ્ચે અોછી સંખ્યામાં ભાવિકો અાવશે તેવી શક્યતા સેવાઇ રહી છે.

માઇ ભક્તો આવી પહોંપ્યા બાદ પંચાયતને ગટર સમસ્યા યાદ અાવી
માતાના મઢમાં મા અાશાપુરાના દર્શનાર્થે દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો અાવતા હોય છે અને કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારીથી લઇને માતાના મઢ સુધી પદયાત્રીઅોની કતારો લાગે છે. જો કે, દર વર્ષે ગટરના પાણી બજારોમાં વહેતા હોય છે અને વર્ષો જૂની ગટર સમસ્યા હજુ સુધી ઉકેલાઇ નથી.

ત્રણેક દિવસથી બસ સ્ટેશનથી માતાજીના મંદિરના ગેઇટ નં.3,4 વાળા માર્ગે ગટરના પાણી વહી રહ્યા છે. જો કે, ભાવિકો મઢ પહોંચી ગયા છે ત્યારે હવે ગટર સમસ્યાનું સમારકામ કરાય છે. અા અંગે સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, વરસાદના કારણે રસાંગનું પાણી વહી રહ્યું છે અને જયાં-જયાં ગટર ચોકઅપ થાય છે ત્યાં સફાઇ કરી, સમારકામ કરાય છે અને ચાચરાકુંડ પાસે જેસીબી મશીન દ્વારા ઝાડી કટિંગની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

સરપંચે ભુજ નગરપાલિકા પાસે મદદ માંગી
માતાનામઢ ખાતે વારંવાર ગટરની સમસ્યા સર્જાતી હોવા છતાં સ્થાનિક તથા જિલ્લા વહીવટી તંત્ર કોઇ હલ કાઢી શક્યું નથી જેના પગલે ગત વર્ષની જેમ જ ચાલુ વર્ષે પણ પદયાત્રીકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેના પગલે માતાનામઢના સરપંચે હવે ભુજ પાલિકાના પ્રમુખને ગટર સમસ્યા હલ કરવા મદદ કરવાની અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...