માતાના મઢની પરંપરા:આજે આશાપુરા માતાજીની પારંપરિક મેરૈયા આરતી ઉતારાશે; આરતીના સમાપને સરઘસાકારે મેરૈયાને ચાચરા કુંડમાં પધરાવાશે

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આજે કચ્છભરમાં હર્ષોલ્લાસ સાથે દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે માતાના મઢ ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ મોડી સાંજે જાગીર અધ્યક્ષ દ્વારા આશાપુરા માતાજીની મેરૈયા આરતી ઉતારવામાં આવશે. આરતીના સમાપને મેરૈયાને સરઘસાકારે ચાચરા કુંડમાં પધરાવાશે.

જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવા આજે ગુરૂવારે સાંધ્ય આરતી ઉતાર્યા બાદ મેરૈયા સાથે આરતી ઉતારશે. આ સમયે તેઓ નવરાત્રિના હવન વખતે જે પોષાક પહેરે છે તેની સાથે માથે પરંપરાગત ટોપી ધારણ કરીને આરતી ઉતારશે. અહીંથી તેઓ ગ્રામજનો સાથે ઢોલ-શરણાઇના સૂરો સાથે વાજતે ગાજતે હિંગલાજ માતાજીના મંદિરે આરતી ઉતારશે જેના સમાપને બંને હાથમાં મેરૈયા ધારણ કરીને બજારમાં નીકળશે. બજારમાં દરેક વેપારીઓ દ્વારા મેરૈયામાં તેલ પૂરાશે. આ પણ એક અનોખી પરંપરા છે.

સરઘસાકારે બજારમાંથી નીકળ્યા બાદ મેરૈયાને ચાચરા કુંડમાં પધરાવશે. આદ્યશક્તિના આ ધામમાં દિવાળીએ આશાપુરા માતાજીની મેરૈયા આરતી ઉતારવાની પરંપરા આજે પણ અકબંધ છે.

દયાપરમાં વર્ષો અગાઉ યુવાનો મેરૈયા લઇને નીકળતા
દયાપરના અગ્રણી ભવાનભાઇ લિંબાણીએ જૂના સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે, ગામમાં વર્ષો અગાઉ યુવાનો આંકડાના વૃક્ષની લાંબી ડાળી લઇને તેમાં કપડા બાંધી મશાલ જેમ પ્રજ્વલિત કરતા. યુવાનો ગામના ઘરો પર જઇને ‘ આવ રે, જાવ રે, જે દિવેલ પુરાવશે તેના ઘરે મેઘ ઝાઝા, જે નહીં પુરાવે તેના ઘેર ઉંદર ઝાઝા’ તેમ બોલતા અને લોકો તેમના ઘરમાં ઉંદરનો ઉપદ્રવ ન થાય તે આશયે હોંશે હોંશે મેરૈયામાં તેલ પૂરી આપતા. આ પરંપરા હવે ભૂલાઇ ગઇ છે તેવો વસવસો તેમણે વ્યક્ત કર્યો હતો.

મેરૈયા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ જોડાયેલા છે
મેરૈયા બને છે તે આંકડો એક ઔષધિય વનસ્પતિ માનવામાં આવે છે. તેનામાં કપડું વીંટાળીને સળગાવાથી જે ધૂમાડો થાય તેનાથી મચ્છર સહિતની જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. આ ઉપરાંત ભગવાન રામે લંકામાં રાવણ સામે વિજય મેળવ્યો અને પરત અયોધ્યા ફર્યા ત્યારે લોકોએ તેમનું મેરૈયા રૂપી મશાલ સાથે સ્વાગત કર્યું હતું. આમ મેરૈયા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જોડાયેલા છે તેમ પરસોત્તમ વાડિયા અને મણિલાલ પારસિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...