નર્મદાના વધારાના નીર મુદ્દે કિસાનો બાદ હવે માલધારીઅોઅે દૂધના પૂરતા ભાવ અાપવા, બોનસમાં વધારો કરવા સહિતના મુદ્દે લડતના મંડાણ કર્યા છે. દયાપરમાં મળેલી લખપત તાલુકા માલધારી સંગઠનની બેઠકમાં રણનીતિ ઘડાઇ હતી અને વિવિધ પ્રશ્ને રેલી સ્વરૂપે મામલતદારને અાવેદન અપાયું હતું.
દયાપરમાં તાલુકા માહેશ્વરી સમાજવાડી ખાતે કચ્છ જિલ્લા માલધારી સંગઠન પ્રમુખ નંદલાલ અાહીર, માવજી ગોપાલ, હરીભાઇ, તાલુકા માલધારી સંગઠન પ્રમુખ જત જકરિયા હાજી નૂરમામદ, નવઘણ અાહીર, લખમણ ગોપાલ, દેવજી જખરા, માવજીભાઇ સહિતનાઅોની બેઠક મળી હતી.
ડેરીઅો દ્વારા દૂધના અપૂરતા ભાવ અાપી શોષણ કરાય છે અને પશુપાલકોને વિશ્વાસમાં લીધા વિના ભાવ વધ-ઘટ કરાય છે. ડેરીઅો દ્વારા દૂધના પૂરતા ભાવ અપાતા નથી કે, બોનસમાં વધારો કરાતો નથી, જેથી કિસાનોની જેમ અાડેસરથી નારાયણ સરોવર સુધીના માલધારીઅોને અેક થઇ લડત લડવા હાકલ કરાઇ હતી.
ખોડ, ભુસો, પેટ્રોલ, ડીઝલ, પાણીની બોટલના ભાવ વધે છે ત્યારે માલધારીઅોઅે રેલી સ્વરૂપે દૂધના પૂરતા ભાવ અાપવા અને બોનસમાં વધારો કરવાની માગ સાથે મામલતદારને અાવેદન પાઠવ્યું હતું. અા તકે લુડબાય સરપંચ જબ્બાર જત, મંગલદાન ગઢવી, ગોપાલ રાણા પટેલ, ખેતુભા કાનજી, રામસંગજી ચનુભા જાડેજા, હાજી રમધાન નોતિયાર, રઘુભાઇ રબારી, ભરત અાહીર વગેરેઅે ન્યાય નહીં મળે તો જિલ્લા વ્યાપી લડતની ચિમકી ઉચ્ચારી હતી.
જુલાઇ-2019ના કેટલ કેમ્પની સબસિડી હજુ બાકી
દુષ્કાળના કપરાકાળમાં અછત જાહેર કરી મહામૂલા પશુધનને બચાવવા માટે કેટલ કેમ્પ શરૂ કરાયા હતા. જો કે, નવાઇની વાત અે છે કે, 2019માં તા.1-7થી તા.31-7 અેટલે કે, જુલાઇ મહિનાની સબસિડીની રકમ હજુ સુધી અપાઇ નથી, જેના કારણે જે સંસ્થાઅોઅે કેટલ કેમ્પ શરૂ કર્યા હતા તે અાર્થિક ભારણ હેઠળ છે, જેથી અાવેદનમાં અા મુદ્દે પણ રજૂઅાત કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.