તડામાર તૈયારી:નવરાત્રિના પગલે દર્શનાર્થીને આવકારવા માતાના મઢ સજ્જ

દયાપર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિર પરિસરમાં આદ્યશક્તિના પર્વની ઉજવણીનો ધમધમાટ

કોરોનાને કારણે ગત આસો નવરાત્રિ અને બે ચૈત્ર નોરતામાં માતાના મઢમાં દર્શનાર્થીઓ માટે બંધ રહેલાં મંદિરના દ્વાર આ વખતે ખુલ્લા રહેવાના હોવાથી મંદિર પરિસરમાં આદ્યશક્તિના પર્વની ઉજવણીનો ધમધમાટ જોવા મળે છે. નોરતાના પગલે આવનારા માઇભક્તોને આવકારવા તડામાર તૈયારીઓ થઇ રહી છે.

નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પૂર્વે જ માર્ગો પર પદયાત્રીઓ જોવા મળી રહ્યો છે. સેવા કેમ્પ શરૂ કરવાની મંજૂરી ન હોવાથી પદયાત્રીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે તેમ છતાં નોરતાં પૂર્વે જ માતાના મઢમાં ભાવિકો આવવાના શરૂ થઇ ગયા છે. નવરાત્રિ દરમિયાન આવનરા માઇભક્તોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જાગીર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ આદરાઇ છે.

પ્રસાદ માટે રાશનની આવક શરૂ, મંડપ સહિતની સુવિધા ઉભી કરાઇ
મોટી સંખ્યામાં આવતા ભાવિકોને ભોજન પ્રસાદ પીરસવા જરૂરી એવા કાચા માલ સામાનની આવક શરૂ થઇ ગઇ છે. ચાર નંબરના પ્રવેશ દ્વાર પાસે કાયમી શેડ બાંધેલો છે પણ મંદિર પરિસર અને યજ્ઞશાળા ખુલ્લા હોવાથી દર્શનાર્થીઓને છાંયડો મળે તે માટે મંડપ બાંધવાની કામગીરીનો ધમધમાટ પણ જોવા મળે છે.

સવારે 4થી મોડી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન થઇ શકશે
બુધવારે તા. 6/10ના મોડી સાંજે ઘટ સ્થાપનની વિધિ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે કરાશે અને તા. 7થી આસો નોરતાંનો આરંભ થશે. નવરાત્રિ દરમિયાન મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્યાથી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લાં રહેશે. તા. 12ના સાતમે રાત્રે 9.35 કલાકે જગદંબા પૂજન સાથે હવન વિધિનો આરંભ થશે અને મોડી રાત્રે 1.30 કલાકે બીડું હોમાશે.

દર્શનાર્થે આવતા ભાવિકોને ચાર નંબરના દ્વારમાં પ્રવેશ અપાશે
રવાપર જતા માર્ગ પર આવેલા પૂલ પાસે મંદિરના પ્રવેશ દ્વાર નંબર ચારમાં ભાવિકો દર્શન માટે પ્રવેશ કરી શકશે જ્યારે બહાર જવા માટે ગેટ નં. 2 ખુલ્લો રહેશે. પ્રસાદ લેવા ઇચ્છુક ભાવિકો અહીંથી જ અન્નક્ષેત્રમાં જઇ શકશે. આ ઉપરાંત 3 નંબનું દ્વાર પણ ખુલ્લું રહેશે.

યાત્રિકો, વાહન ચાલકો માટે નખત્રાણા-મઢનો માર્ગ મુશ્કેલીરૂપ
નખત્રાણાથી માતાના મઢના માર્ગે ઠેક ઠેકાણે મોટા ખાડા પડી ગયા છે. આ ઉપરાંત પુલના કામને કારણે રસ્તાની હાલત દયનીય બની છે. આ સ્થિતિએ આ માર્ગે પસાર થનારા વાહન ચાલકો તેમજ પદયાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમ લોકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...