દર્દીઓ ત્રસ્ત:દયાપરમાં ખુદ આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં ઉભરાય છે ગટરનું પાણી

દયાપર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે માસથી સતાવતી સમસ્યાને કારણે દર્દીઓ ત્રસ્ત

કચ્છના કેટલાક વિસ્તારમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવી બીમારીએ માથું ઉંચકતાં આરોગ્ય વિભાગ દવા છંટકાવ સહિતની કામગીરીમાં જોતરાયો છે તેની વિપરીત લખપત તાલુકાના દયાપરમાં ખુદ આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં છેલ્લા બે માસથી ગટર ઉભરાતાં દર્દીઓ દુર્ગંધથી ત્રસ્ત બન્યા છે તો મચ્છરજન્ય બીમારીની ઝપેટમાં આવે તેવી ભીતિ પણ તેમને સતાવે છે.

સામૂહિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વાર પાસે છેલ્લ બે મહિનાથી દુષિત પાણી ઉભરાઇ રહ્યું છે તે બાબતે મામલતદારને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, દુર્ગંધ મારતા ખાબોચિયા ભરાઇ જતાં દર્દીઓ અને સરકારી કામકાજ માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ, માતૃશક્તિ દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમો યોજાય છે.

પ્રસૂતિ પણ કરવામાં આવે છે ત્યારે ઉભરાતી ગટરના કારણે રોગચાળો ફેલાશે તેવી દહેશત વ્યક્ત કરતાં અખિલ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજના મહામંત્રી પ્રવીણ ચાવડાએ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે મામલતદાર સમક્ષ માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...