તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા:પાન્ધ્રો અને છેરના વીજ મથકો બંધ થશે તો અનેકની રોજગારી છીનવાશે

દયાપર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દયાપરમાં યોજાઇ તાલુકા પંચાયતની સામાન્ય સભા: વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ

લખપત તાલુકાના દયાપર ખાતે યોજાયેલી કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતની સામાન્યસભામાં પાન્ધ્રો અને છેરના વીજ મથકો બંધ થશે તો અનેકની રોજગારી છીનવાઇ જશે તેવી ભીતિ વ્યક્ત કરાઇ હતી. પીવાના પાણી તેમજ નર્મદા નીર સહિતના મુદ્દા બેઠકમાં ઉઠાવાયા હતા.

સામાન્યસભામાં વહીવટી તંત્રના વિવિધ વિભાગના કોઇ અધિકારી કે તેના પ્રતિનિધિ હાજર ન હોતાં મામદ જુંગ જત અને ઉપપ્રમુખ સમરતદાન ગઢવીએ રોષ ઠાલવતાં કહ્યું હતું કે, તાલુકાનો મહત્વનો પ્રશ્ન પીવાના પાણીનો છે અને પાણી સમિતિના અધ્યક્ષ એવા મામલતદાર ખુદ ગેરહાજર છે તો રજૂઆત કોને કરવી ? આવી જ રીતે પાણી પુરવઠા કચેરીના કોઇ અધિકારી ન હોતાં જવાબદારને ફોન કરાયો ત્યારે તેમણે પ્રતિનિધિ મોકલ્યો હતો. રોડસર, લક્ષ્મીરાણી, મેડી સાયણ સહિતા વિસ્તારમાં પેયજળ અને પાન્ધ્રો સમ્પમાંથી વિતરીત થતા દુષિત પાણીનો પ્રશ્ન ન્યાય સમિતિના ચેરમેન દિનેશ સથવારા અને કાસમ જતે રજૂ કર્યો હતો.

વિપક્ષી નેતા રાજુભાઇ સરદારે કેટલાક ગામોની વીજ સેવા અબડાસા અને નખત્રાણા તાલુકા તળે આવતી હોવાથી આવા ગામોને લખપતની વીજ કચેરી સાથે જોડવા રજૂઆત કરી હતી. દયાબા જશુભાએ સિયોત-ગુનેરી માર્ગે ખોદાયેલા ખાડા તાત્કાલિક પૂરવાની માગ કરી હતી. સારાબાઇ કુંભાર, કરીમાબાઇ રાયમા, કેસરબેન, પ્રફુલ પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા જ્યારે પ્રેક્ષક ગેલેરીમાં પ્રથમવાર પી. સી. ગઢવી, અલીમામદ જત, ઓસમાણ પડ્યાર, દેશુભા જાડેજા, જશુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ ઠરાવો કરાયા
તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગોધાતડ તેમજ અન્ય ડેમો નર્મદાના વધારાના પાણીથી ભરવા, પાન્ધ્રી અને છેરનું વીજ મથક બંધ ન કરવા, વર્માનગર, સોનલનગર અને નવાનગરની અલગ ગ્રામ પંચાયત બનાવવા, કોરિયાણી અને મુંધવાયમાં સસ્તા અનાજની દુકાન શરૂ કરવા, પાન્ધ્રોમાં અલગથી પેટા વીજ કચેરી બનાવવા, વહેલી તકે મામલતદાર કચેરીનું નવું મકાન બનાવવા, કચેરીનું રિનોવેશન સહિતના ઠરાવો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...