વધુ એક છબરડો:દયાપરમાં ઘરે ઉભેલી ગાડીનો ભુજ નેત્રમે બ્લેક ફીલ્મનો મેમો મોકલ્યો!

દયાપર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ શહેરમાં લાગેલા કેમેરા મારફતે વાહન ચાલકોને દંડવામાં અાવે છે, ત્રીજી અાંખને મોતીયો થયો હોય તેમ 10 દિવસમાં વધુ અેક છબરડો સામે અાવ્યો છે. દયાપરમાં ઘરે ઉભેલી કારને બ્લેક ફિલ્મનો મેમો મોકલાવાયો હતો. જો કે ઇ-મેમોમાં દેખાતી કાર પોતાની ન હોવાથી હેલ્પલાઇન નંબર પર ફોન કરી વાત કરતા મેમો રદ્દ કરવાની અરજી મોકલી અાપવા જણાવાયું હતું.

દયાપર ગામમાં રહેતા પુનીત ગોસ્વામીની મારૂતી અર્ટીગા કાર 11 નવેમ્બરના પોતાના ઘર બહાર જ હતી પણ તેના ઘરે ઇ-મેમો પહોંચ્યો હતો, જેમાં બ્લેક ફિલ્મનો 500 રૂપિયાનો મેમો હતો. પોતાની કાર ગેરેજમાં ઉભી હોવા છતાંય મેમો જતા વેપારી વિસ્મય પામી ગયો હતો. મેમોમાં લખેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી સમગ્ર વાત કરી હતી કે, અર્ટીગા ગાડીનો જે ઇ-મેમો મોકલાવાયો છે તે દિવસે ગાડી ભુજમાં અાવી જ નથી અને ફોટોમાં સ્વિફટ કાર નજરે પડે છે. હેલ્પલાઇન પર પોલીસે પોતાની ભુલ સ્વિકારી હતી અને જણાવ્યું હતું કે, મેમો રદ્દ કરવા માટે ઇ-ચલણ રદ્દ કરવાની અરજી મોકલી અાપજો. પોલીસની ભુલને કારણે વાહન માલિકને છેક દયાપરથી ભુજ સુધી વાહનના સાધનીક કાગળો અને અરજી લઇને ભુજ નેત્રમ ખાતે અાવી રદ્દ કરવાની પ્રક્રિયા હાથ ધરવી પડશે જેના લીધે સમય અને નાણાનો પણ વ્યય થશે. થોડા દિવસ પૂર્વે પણ ભુજના અેક યુવાનની કારમાં સફેદ ગ્લાસ હોવા છતાંય પણ બ્લેક ગ્લાસનો મેમો મોકલાવાયો હતો, બાદમાં તેને પણ રદ્દ કરવાની અરજી અાપી જવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...