કોરોના બેકાબૂ:માતાના મઢમાં 227 પૈકી 10 વેપારી કોરોના પોઝિટિવ

દયાપરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગ દ્વારા યોજાયો રેપિટ ટેસ્ટનો કેમ્પ

કચ્છમાં કોરોનાને કાબૂમાં લેવા તંત્ર દ્વારા ઠેર ઠેર રેપિડ ટેસ્ટ કરાઇ રહ્યા છે જે અંતર્ગત માતાના મઢમાં આરોગ્ય વિભાગે યોજેલા કેમ્પમાં 227 વેપારીનું પરીક્ષણ કરાયું હતું જે પૈકી 10ના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઇસોલેશન અને સારવાર સહિતના પગલા લેવાયા હતા.

બે દિવસ પૂર્વે દયાપરમાં યોજાયેલા કેમ્પમાં 355 લોકોમાંથી 8 વ્યક્તિને કોરોના હોવાનું બહાર આવ્યું હતું. મંગળવારે જારી રહેલી ઝુંબેશને પગલે માતાના મઢમાં પણ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા જેમાં 10 વેપારી સંક્રમિત જણાતાં ચિંતાનું મોજું ફેલાયું હોવાનું સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ત્રણેક દિવસ પહેલાં પણ 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું એક આગેવાને જણાવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. રોહિત ભીલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં આરોગ્યની ટીમ જોડાઇ હતી. ઉલ્લેખનીય છે કે, સરકારી ચોપડે લખપતમાં કોરોનાના દર્દીઓ ઓછા દર્શાવાય છે પણ વાસ્તવિક ચિત્ર અલગ છે અને સંક્રમિતોનો આંક દિન પ્રતિદિન વધી રહ્યો છે.

નવરાત્રિમાં મંદિર બંધ રહેવાનું હોતાં અત્યારે ધસારો
કોરોનાને ફેલાતો રોકવા માટે નવરાત્રિમાં મંદિર બંધ રાખવા જાગીર ટ્રસ્ટે નિર્ણય લીધો છે જેની જાણ થતાં અત્યારથી જ દર્શનાર્થીઓનો ધસારો જોવા મળે છે. રવિવારે અંદાજે ચાર હજાર જેટલા ભાવિકો આવ્યા હતા. જો નોરતાં પહેલા આવી જ રીતે લોકો મોટી સંખ્યામાં આવતા રહેશે તો સંક્રમણને રોકવું કઠિન બનશે તેમ સરપંચે ચિંતિત સ્વરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...