ફિક્કું મતદાન:ભચાઉ પાલિકાના વોર્ડ નં. 2ની પેટા ચૂંટણીમાં 50 ટકા જેટલું ફિક્કું મતદાન

ભચાઉ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે ફોર્મ પરત ખેચી લેતા માત્ર ભાજપ અને અાપના ઉમેદવારો જ મેદાનમાં

ભચાઉ નગરપાલિકાના વોર્ડ નંબર 2ની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. અેકંદરે 50.52 ટકા મતદાન થયું હતું. ભચાઉ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના નગરસેવક સ્વ. વનરાજસિંહ દેવુભા ઝાલાના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે આજે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી અક્ષયસિંહ વનરાજસિંહ ઝાલા અને આમ આદમી પાર્ટીના મંજુલાબેન કાંતિલાલ કારિયા વચ્ચે મુકાબલો છે.

કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી અગાઉ જ ફોર્મ પરત ખેંચી લીધું હતું ! જેના પગલે આપના મહીલા ઉમેદવાર અને ભાજપના પૂર્વ નગરસેવકના પુત્ર વચ્ચે આજે ચૂંટણી યોજાઈ હતી. ભચાઉ વોર્ડ નંબર બે નવાગામ તેમજ નવી ભચાઉ વિસ્તારને જોડીને બનતો વિસ્તાર છે. જેમાં મુખ્ય પટેલ, મેઘવાળ સમાજ, જૈન ઓસવાલ સમાજની વસ્તી છે. સવારે સાત વાગ્યે શરૂ થયેલા મતદાનમાં ધીમી ગતિએ મતદાન થયું હતું. કુલ 2745 મતદારોમાંથી 862 પુરુષ અને 545 મહિલા મતદારોઅે લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો.

કુલ 1407 લોકોઅે મતદાન કર્યું હતું. આજે યોજાયેલા મતદાનની પ્રક્રિયામાં ભચાઉ પ્રાંત અધિકારી પી.એ. જાડેજા, મામલતદાર ભગીરથ સિંહ ઝાલા, ભચાઉ પોલીસના ડીવાયએસપી કે.જી. ઝાલા, પી.આઈ જી. એલ. ચૌધરી, પી.એસ.આઇ મકવાણા અને જોષી તેમજ શિક્ષકો દ્વારા મતદાનની કામગીરી શાંતિપૂર્વક યોજાઇ હતી. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 50 ટકા જેટલુ મતદાન નોંધાયું હતું. ઇવીઅેમ સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...