પોલીસના આંખ આડા કાન:ભચાઉમાં નંબરપ્લેટ વિના કાળા કાચ સાથેના વાહનો બેફામ દોડે છે

ભચાઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ આવા વાહન ચાલકો સામે કરે છે આંખ આડા કાન

ભચાઉ શહેરની મુખ્ય બજારોમાં તેમજ હાઇવે નજીક કાળા કાચ લગાવેલી અને નંબર પ્લેટ વગરની ફોરવ્હીલ ગાડીઓ બેફામ રીતે બેરોકટોક દોડી રહી છે. શહેરમાં પોલીસનું જાણે અસ્તિત્વ જ ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ખરેખર સ્પષ્ટ સૂચના છે કે, કારમાં કાળી ફીલ્મ લગાવેલી હોય તો તે વાહન ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ભચાઉ શહેરમાં કાળી ફીલ્મ કાર ચાલકો બેરોકટોક લગાવીને ફરી રહ્યા છે. તો નંબર પ્લેટ વગરના વાહનો પણ મોટા પ્રમાણમાં દોડી રહ્યા છે. ભૂતકાળમાં આવા નંબર પ્લેટ વગરના અને કાળા કાચના વાહનોમાં ગુનાહિત પ્રવૃતિઓમાં વપરાતા હોવાનું બહાર આવી ચુક્યું છે.

પોલીસ આ બે મુખ્ય બાબતો ચલાવતી નથી પરંતુ ભચાઉમાં ઘણા સમયથી ટ્રાફિક પોલીસ આ બાબતોને લઈને આંખ આડા કાન કરી રહી છે અને આવા નંબર પ્લેટ વગરના અને કાળા કાચ ધરાવતા વાહનચાલકો બેફામ બન્યા છે.તો શહેરમાં ટ્રાફિક પોલીસ ટ્રાફિકની સમસ્યા બાબતે નક્કર કાર્યવાહી કરતી નથી. વાહનચાલકો પોતાના વાહનો ગમે ત્યાં મૂકી ટ્રાફિકને અડચણરૂપ બનતા હોય છે.

શહેરના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જ કેમ ?
જિલ્લાના અન્ય શહેરોમાં નેત્રમના સીસીટીવી કેમેરા પોલીસ માટે ઉપયોગી સાબિત થઇ રહ્યા છે પણ ભચાઉ શહેરમાં બંધ પડેલા સી.સી.ટી.વી કેમેરા ગુનેગારો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે શા માટે આ બંધ સીસી ટીવી કેમેરા ઘણા સમયથી બ઼ધ હોવા છતાં ચાલુ કરવાની પ્રક્રિયા હાથ નથી ધરાતી એ તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...