મારામારી:મનફરામાં એક જ દિવસમાં ખુન અને મારામારીના બે બનાવો

ભચાઉ/ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેળામાં દારૂની બાતમી મુદ્દે બે જુથ બાખડ્યા,7 ઘાયલ, 8 આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ
ભચાઉ તાલુકાના મનફરા ગામમાં યોજાયેલા સુંદરબાઇના મેળામાં ઇંગ્લિશ દારૂના વેચાણ બાબતે બાતમી આપી હોવાનું મનદુ:ખ રાખી બે જુથ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં એક જુથના 7 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં એક પક્ષે 8 જણા વિરુધ્ધ ગુનો નોંધાવ્યો છે.

આ બાબતે ભચાઉ પોલીસ મથકે મનફરા રહેતા 28 વર્ષીય જગદિશ બીજલ કોલીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગામમાં આજે યોજાયેલા સુંદરબાઈના મેળામાં સાંજે ચાર વાગે બનેલા બનાવમાં તેણે દારૂની બાતમી આપી હોવાનું મનદુ:ખ રાખી આકા ખીમા પીરાણા, ધારશી ખેતા પીરાણા, અમરશી વીભા પીરાણા, ધારશીના પિતા ખેતા પીરાણા, લખમણ બીજલ પીરાણા, નુરા પીરાણા અને આકા પીરાણાનો નાનો ભાઇ એમ 8 જણાએ ધારિયા ધોકા સાથે હુમલો કરી જગદીશ બીજલ કોલી, રાહુલ બીજલ કોલી, જયેશ બીજલ કોલી, ગંગારામ દાના કોલી, મનસુખ દાના કોલી, હિતેશ કોલી, દિનેશ કોલીને માથાના ભાગે અને સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને 108ને જાણ કર્યા બાદ ભચાઉની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને સારવાર આપવામાં આવેલ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. મેળા દરમિયાન આ ઘટના બનતા ભાગદોડ મચી હતી.

પોલીસની હાજરીમાં મારામારીની ઘટના ?
મનફરા ગામે પોલીસને દારૂની બાતમી આપી હોવાનું મનદુ:ખ રાખી થયેલી મારામારીની ઘટનામાં ઘાયલ એક ઇજાગ્રસ્તે વીડિયો વાયરલ કરી એમ જણાવ્યું હતું કે, આ ઘટના પોલીસની હાજરીમાં થઇ છે તેમજ ત્યાં હાજર પોલીસ કર્મીઓ જુએ છે છતાં પણ કંઇ કર્યા વગર અમને માર ખાતા જોઇ ચાલી ગયા હતા. આ વાત સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ત્યાં હાજર પોલીસ કર્મીઓ પૈસા ઉૅઘરાવવા જ ત્યાં હતા. જો આ આક્ષેપ સાચો હોય તો ખરેખર તપાસનો વિષય છે.

અંગત અદાવતમાં યુવાનની તીક્ષ્ણ હથિયારથી હત્યા, હત્યારા ફરાર થઇ જતાં વરસતા વરસાદમાં પોલીસ તપાસમાં જોતરાઇ
ભચાઉ તાલુકાના મનફરામાં યોજાયેલા મેળામાં સાંજે બે જુથ વચ્ચે અથડામણ બાદ થોડાક કલાકો બાદ એ મામલો પોલીસ નિપટાવે ત્યાં રાત્રે આ જ ગામમાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાની બીજી ઘટના બનતાં મોડી રાત્રી સુધી પોલીસ તંત્ર દોડતું રહ્યું હતું.જો કે રાત્રે મોડેથી બનેલી હત્યાની ઘટનામાં પીઆઇ જી.એલ.ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં પ્રાથમિક વિગતોમાં જણાવ્યું હતું કે મનફરા ખાતે પપ્પુ કરશન કોલી નામના યુવાનને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેનું ખૂન કરાયું છે.

હત્યા કરનાર બનાવને અંજામ આપી ફરાર થઇ ગયા છે. અંદરો અંદરની અંગત અદાવતમાં હત્યાને અંજામ અપાયો હોવાનું પ્રાથમિક વિગતો મળી છે બાકી હાલ એક તરફ વરસાદ ચાલુ છે તેુની વચ્ચે મૃતદેહ હોસ્પિટલ પહોંચાડી તમામના નિવેદન લેવાની તજવીજ ચાલુ છે પરંતુ હત્યાના બનાવ બાદ વાતાવરણ તંગ હોવાને કારણે વધુ વિગતો નિવેદનો લીધા બાદ આપી શકાશે. ભચાઉ તાલુકાના મનફરા ગામમાં સાંજે મારામારીની ઘટના બાદ રાત્રે હત્યાની ઘટના બનતાં ગામમાં સોપો પડી ગયો હતો.

મનફરામાં દારૂ જુગારની બદી આવા બનાવોનું કારણ હોઇ શકે ?
ભચાઉ તાલુકાના મનફરા ગામમાં સાંજે મેળા દરમિયાન દારુની બાતમીનું મનદુ:ખ રાખી હુમલો કરાયો હોવાની ઘટના બની હતી જે ઘટનામાં એક ઇજાગ્રસ્તે તો એવો વિડિયો પણ વાયરલ કર્યો હતો કે જુગાર દારૂ ના પૈસા અમુક પોલીસ કર્મી .ઘરાવે છે અને જે મારામારીની ઘટના બની તે પણ પોલીસની હાજરીમાં બની છે. ત્યારે સવાલ એ થાય કે આ હત્યા પણ આ જ ધંધાની અદાવતમાં કરાઇ છે કે શું ? ખૈર કારણ તો તપાસ બાદ જ ખ્યાલ આવશે. હાલ આ હત્યાના બનાવથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...