ચીમકી:નેર હુમલા કેસમાં ન્યાય ન મળે ત્યાં સુધી ન ખસવાનો હુંકાર

ભચાઉ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કનડગતના આક્ષેપ સાથે ભચાઉ પોલીસ કચેરી સામે લોકો એકત્ર - Divya Bhaskar
કનડગતના આક્ષેપ સાથે ભચાઉ પોલીસ કચેરી સામે લોકો એકત્ર
  • ખોટી ફરિયાદો કરી કાયદાનો દુરુપયોગ કરાશે તો ગ્રામજનો હિજરત કરશે
  • ગામના આગેવાનો, મહિલાઓ, બાળકોએ ભચાઉDYSP કચેરીએ સવારથી ધામા નાખ્યા

ભચાઉ તાલુકાના નેર ગામમાં થોડા દિવસો પહેલાં જ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રવેશ મુદ્દે અનુસૂચિત જાતિના પરિવાર ઉપર ઘાતક હુમલાનો બનાવ બન્યો હતો. આ ઘટના બાદ હુમલો કરનાર આરોપીઓ વિરુધ્ધ એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ચકચારી હુમલાની ઘટના બાદ અમુક લોકો દ્વારા ગ્રામજનોને ખોટા કેસ બાબતે કનડગત કરાતા હોવાના આક્ષેપ સાથે તેના યોગ્ય ન્યાય માટે ગ્રામજનો દ્વારા આજે સવારથી જ ભચાઉની ડીવાયએસપી કચેરી ધામા નખાયા હતા અને જ્યાં સુધી તટસ્થ તપાસ કરી ન્યાય નહીં મળે ત્યાં સુધી ન ખસવાનો હુંકાર સાથે હિજરતની ચીમકી પણ અપાઇ હતી.

ભચાઉ તાલુકાના નેર ગામમાં અનુસૂચિત જાતિના પરિવાર પર થયેલા હુમલા બાદ ગુજરાત સરકાર દ્વારા તેમને યોગ્ય ન્યાય મળે તેને લઈને રોકડ રૂપિયા સહિતની સહાય અને વિવિધ બાબતે યોગ્ય ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદ નેર ગામમાં ફરી અમુક ચોક્કસ વ્યક્તિ દ્વારા પોતાના બદ ઇરાદાઓ પાર પાડવા અને કોઈના ઇશારે ગામને બદનામ કરી બનાવને પોલીસ સ્ટેશન સુધી લાવવામાં સફળ થઈ રહ્યું છે. જેના ભાગરૂપે આજે નેર ગામના આગેવાનો, મહિલાઓ ,બાળકો અને વૃદ્ધો મોટી સંખ્યામાં ભચાઉની ડીવાયએસપી કચેરી પાસે આવીને અમને ન્યાય આપો ના નારા સાથે સવારથી સાંજ સુધી ધામા નાખી ધરણા પર બેઠા હતા.

ગામના અમુક યુવાનો દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ખોટા કેસો કરી અને ગામના યુવકને ફસાવવામાં આવે છે તેમજ તે સાથે ધમકીઓ પણ આપવામાં આવે છે આવી ધમકીઓને લઈને ગામના લોકો અહીં ધસી આવ્યા હતા અને જો કાયદાનો ખોટો ઉપયોગ કરાશે તો હિજરતની ચિમકી પણ અપાઇ હતી.

ફરિયાદ તમામનો હક્ક છે ન્યાય સત્યને જ મળશે - ઇન્ચાર્જ ડીવાયએસપી
નેર ગામના ચકચારી હુમલા બાદ આજે જ્યારે ગ્રામજનો કાયદાનો ખોટો ઉપયોગ કરી ખોટી ફરિયાદો નોંધાવાતી હોવાનાઆક્ષેપ સાથે ડીવાયએસપી કચેરીએ ધરણા પર બેઠા હતા જે લોકોને કાયદા અંગેની સમજ ભચાઉ વિભાગના ડીવાયએસપી વી.આર.પટેલે આપી હતી અને જણાવ્યું હતુંકે ફરિયાદ કરવાનો દેશના તમામ નાગરીકોને હક્ક છે જેમાં તટસ્થ તપાસ બાદ જે સત્ય હોય તેને ચોક્કસ ન્યાય મળે છે.કાયદો કાયદાનું કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...