ગોરખ ધંધો:ભચાઉ સુધરાઇની હદમાં 300થી વધુ લારીઓના ભાડા અન્યો ઉઘરાવી જાય છે!

ભચાઉ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમુક શખ્સો દ્વારા પોતાની 50 લાખથી 1 કરોડની દુકાન આગળ રેંકડી રાખવાનું ત્રણથી પાંચ હજાર ભાડું
  • ધાર્મિક જગ્યાની આડમાં મોટાપાયે રેંકડીઓ રાખીને દબાણ : વાહન ચાલકોને મુશ્કેલી

ભચાઉ નગરપાલિકાની હદમાં છેલ્લા કેટલાય સમયથી દબાણો વધી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને લારી રાખવાની જાણે પ્રથા પડી હોય તેમ કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ રેંકડી રાખીને પોતાનો નાનોમોટો ધંધો કરી લે છે પરંતુ આ રેકડીઓ રાખવાનું ભાડું પાલિકાના બદલે અન્ય લેભાગુ તત્વો ઉઘરાવી જાય છે.

શહેરના મહારાણા પ્રતાપ ગેઇટથી વીર સાવરકર ચોક, એ.ડી. મહેતા ટાવર પાછળ આવેલા પાલિકા કોમ્પ્લેક્ષ નજીક હંગામી શાકભાજી માર્કેટમાં જાણે રેંકડીઓનું સામ્રાજ્ય હોય તેમ 200થી 300 લારીઅો આ જ જગ્યાએ ઉભી રહે છે. અા જગ્યા પાલિકા હસ્તકની હોવા છતાં પણ તેનું ભાડું ત્રણ જેટલા લેભાગુ તત્વો દ્વારા વસૂલવામાં આવે છે.

તો વળી શહેરની કેટલાક ધાર્મિક જગ્યાઓ નજીક પણ આવી લારીઅોના ખડકલા કરીને રીતસરનું દબાણ કરાય છે, જેમાં વાહનો ચલાવવા તો ઠીક પરંતુ લોકોને નીકળવું મુશ્કેલ બન્યું છે. ભચાઉની હંગામી શાકભાજી માર્કેટમાં 300 ઉપરની રેકડીઓ નાના-મોટા શાકભાજીના ધંધાર્થીઓ દ્વારા રોજીરોટી રડવા માટે ખડકી દેવાઇ છે પરંતુ શાકભાજીના નાના વેપારીઓ પાસેથી પાલિકાના બદલે ત્રણ જેટલા લેભાગુ તત્વો દ્વારા મસમોટા ભાડા ઉઘરાવવામાં આવે છે.

ભાડું ઉઘરાવતા લેભાગુ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : ચીફ અોફિસર
ભચાઉમાં રેંકડીના થયેલા મોટા દબાણો અને તેના ભાડા કોઈ લેભાગુ તત્વો દ્વારા ઉઘરાવવામાં અાવતા હોવા અંગે ભચાઉ પાલિકાના ચીફ ઓફિસર પરબત ચાવડા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, પાલિકાની હદમાં જે નાના ધંધાર્થીઓ દ્વારા ઉભી કરાયેલી રેંકડિયો અને તેમના પાસેથી કોઈ લેભાગુ તત્વો દ્વારા જો ભાડા ઉઘરાવવામાં આવતા હશે તો તે ખરેખર યોગ્ય વાત નથી અને આવું હશે તો તે લેભાગુ તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરી અને જરૂરી પગલાં લેવામાં આવશે તેમજ જે પણ વેપારી મિત્રો દ્વારા શહેરને નડતરરૂપ દબાણ થતાં હશે તેવા દબાણ પર કાયદેસરની કાર્યવાહી કરી દૂર કરવામાં આવશે. હાલ તબિયત નાદુરસ્ત હોતા બે દિવસ બાદ હું આ બાબતે જરૂર પગલા લઈશ તેવું તેમણે તેમણે વધુમાં ઉમેર્યું હતું.

લાખો, કરોડોની દુકાનના માલિકો પણ ઉઘરાવે છે ભાડું
શહેમાં ઘણા વેપારીઓ લાખો, કરોડોની દુકાનના માલિક હોવા છતાં પણ દુકાનની આગળ ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયાના ભાડે નાસ્તાની લારીઓને અથવા તો પાછળના ભાગે અન્ય લોકોને બેસવા આપીને તેનું ભાડું ધરાવતા હોય છે, જે ટ્રાફિકને અડચણરૂપ થાય છે અને લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. હંગામી શાકભાજી માર્કેટમાં જ ગેરકાયદેસર રીતે રેંકડીઓના ભાડા લઇ અનેક લોકો લખપતિ થયા, એકને તો મહિને એકથી દોઢ લાખની આવક હોવાનું જાણવા મળી રહ્યું છે.

નવી બનેલી શાકમાર્કેટ 20 વર્ષથી ધુળ ખાય છે
શહેરના મુખ્ય પ્રવેશદ્વાર મહારાણા પ્રતાપ ગેઇટ અને શિવાજી મહારાજ ગેઇટ પર શાકભાજી માર્કેટ બનાવાઇ હતી, જેમાં મહારાણા પ્રતાપ ગેઇટ પાસે શાકભાજીનું વેચાણ કરતા કાછિયાઓ માટે દુકાનો પણ બનાવાઇ છે અને શાકભાજીના વેપારીઓ માટે શેડ પણ બનાવાયા છે પરંતુ 20 વર્ષથી શાકભાજી માર્કેટ હાલ ધૂળ ખાઈ રહી છે જેની કારણે શાકભાજીના નાના-મોટા વેપારીઓને ગમેત્યાં રેંકડી રાખીને શાકભાજીનો વેપાર કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...