મામલો થાળે પડ્યો:યોગ્ય ન્યાયિક તપાસની ખાતરી અપાતા નેર ગામના લોકોએ ધરણા સમેટી લીધા

ભચાઉ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય પાર્ટીઓ, સામાજિક આગેવાનો અને પોલીસ વિભાગની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

ભચાઉ તાલુકાના નેર ગામે એટ્રોસિટી કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી નેર ઉપરાંત આસપાસના ગ્રામજનો ભચાઉ ડીવાયએસપી કચેરીએ પહોંચી ગયા હતા અને જ્યાં સુધી યોગ્ય તપાસ ન થાય ત્યાં સુધી ધરણા પર બેસી ગયા હતા. પરંતુ સામાજિક-રાજકીય આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ આખરે યોગ્ય ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવતા ધરણા સમેટી લેવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ એકાદ મગીના પહેલા મંદિરમાં પ્રવેશ બાબતે અનુ. જાતિના ઘાતકી હુમલો કરવાનો બનાવ બન્યો હતો. જે બાબતે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ હુમલા બાદ અમુક લોકો દ્વારા ગ્રામજનોને ખોટા કેસ બાબતે કનડગત કરાતા હોવાના આક્ષેપી સાથે તે બાબતની યોગ્ય તપાસ થાય અને ઉચિત ન્યાય મળે તેવી માંગ સાથે ભચાઉ તાલુકાના નેર ગામ ઉપરાંત આસપાસના લોકો દ્વારા સોમવારે ભચાઉ ડીવાયએસપી કેચેરીએ ધામા નાખવામાં આવ્યા હતા અને આગેવાનો, વૃદ્ધો, બાળકો અને મહિલાઓ દ્વારા 'અમને ન્યાય આપો'ના નારા સાથે જ્યાં સુધી તટસ્થ તપાસ નહિ થાય ત્યાં સુધી ધરણાનો અંત નહિ આવે તેવી માંગ કરી હતી. જે બાદ કચ્છ જિલ્લા પંચાયતના જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઇ રાજગોર, આહીર સમાજના આગેવાન વાઘજીભાઈ છાંગા, ગોપાલ આહીર, કચ્છ જિલ્લા કોંગ્રેસ આગેવાન વી.કે. હુંબલ, હીરાભાઈ રબારી (ટપ્પરવાળા) ભચાઉ તાલુકાના અને અન્ય ગ્રામના જ્ઞાતિ આગેવાનો દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી. ઉપરાંત ભચાઉના ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ વિભાગ દ્વારા ગામલોકોની રજુઆત બાબતે તટસ્થ તપાસ કરાશે તેવી ખાતરી અપાતા ધરણા પર બેઠેલા લોકોએ પોલીસ વિભાગ પર ભરોસો રાખી ધરણા સમેટી લીધા હતા.

નેર ગામના લોકોની આ હતી 4 મુખ્ય માંગણીઓ, સંતોષકારક ઉકેલ થયો

  • હુમલાના બનાવમાં યોગ્ય યોગ્ય તપાસ માટે સીટની રચના કરવામાં આવે તેવી માગણી મુકાઈ હતી.
  • અનુ. જાતિના વ્યક્તિ દ્વારા ગ્રામજનોને જે બેફામ ગાળો અપાઈ છે તે બાબત ની ફરિયાદ નોંધાય
  • અગાઉ બનેલા હુમલાના બનાવમાં અન્ય જ્ઞાતિના વ્યક્તિને જે ઇજા પહોંચી છે, અને તે હોસ્પિટલમાં છે તેમની પણ ફરિયાદ લેવાય
  • હાલ જગાભાઈ વાઘેલા દ્વારા હેરાન કરવા 5 લોકો પર ફરિયાદ કરવાની અરજી કરાઈ છે તેમાં યોગ્ય તપાસ કરવી.
  • આ ચારેય મુદ્દા પર પોલીસે સંતોષકારક જવાબ આપતા નેર ગામના લોકો ઘરે પરત ફર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...