પ્રજા ત્રાહિમામ:ભચાઉમાં રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ ખુદ ઉપનગરપતિ કરી

ભચાઉ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉમાં લાંબા સમયથી રખડતા ઢોરના ત્રાસથી આમપ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને કેટલી વખત પાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ પાલિકા દ્વારા પ્રયત્નો થયા પરંતુ નક્કર કામગીરી ન થતાં આજદિન સુધી રખડતા ઢોરના ત્રાસથી લોકોને છૂટકારો મળ્યો નથી. જો કે, ખુદ પાલિકાના ઉપપ્રમુખે અા મુદ્દે ચીફ ઓફિસરને રજૂઆત કરાતા આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસા-દિવસ વધતો જાય છે અને આ રખડતા ઢોરના કારણે બાળકો અને વૃદ્ધોને અનેકવખત નુકસાન થયું છે ત્યારે શહેરમાં વધતા જતા ચો પગાના ત્રાસમાંથી કાયમી છૂટકારો મળે તે માટેના પગલા ભરવા ભાજપી નેતા અને ખુદ પાલિકાના ઉપપ્રમુખ ભરતસિંહ રણજિતસિંહ જાડેજાઅે જ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

ધરતીકંપ પહેલા વોંધવાળા નાકા તરીકે ઓળખાતી જગ્યાની બાજુમાં ગ્રામપંચાયતના સમયે પણ ઘાસચારાના વેચાણ માટે માર્કેટ બનાવાઇ હતી પરંતુ 20 વર્ષ પછી પણ પાલિકા શહેરમાં અાવી માર્કેટ બનાવી શકી નથી, જેના કારણે શહેરમાં મનફાવે તે રીતે ઘાસચારાનું વેચાણ થાય છે અને અને ઢોર માલિકો દૂધાળા ઢોરને દૂધ દોહીને રખડતા મૂકી દે છે.

શહેરમાં લોકો ધર્માદાના નામે ગાયને ચારો નાખે છે જેનો લાભ લઈને ગાયોના મૂળ માલિકો પોતાની ગાયો અને અન્ય પશુઓને ઘરેથી કાઢી મૂકે છે. ઢોરને રખડતા મૂકી દેતા માલિકોને રોકડ દંડ કરવાની વ્યવસ્થા પાલિકાએ કરવી જોઈએ. વધુમાં શાકભાજી માર્કેટ તૈયાર હોવા છતાં પણ હજુ સુધી લોકો માટે ખુલ્લી મૂકી શકાઈ નથી, જેથી કાછિયા ગમે ત્યાં હંગામી શાકભાજી માર્કેટ બનાવીને શાકભાજીનું વેચાણ કરે છે અને તેની આજુબાજુ જ રખડતા ઢોર ફરી રહ્યા છે અને લોકો તેનાથી ઘાયલ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...