તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વોંધની પત્નીને તરછોડી બીજા લગ્ન કરનાર પતિની અરજી ઉપલી કોર્ટે પણ નકારી

ભચાઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2014ની ફરિયાદમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા બાદ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી

ભચાઉના વોંધ ખાતે પરિણિતાને માનસિક-શારિરિક ત્રાસ આપી પ્રથમ લગ્ન હયાત હોવા છતાં મહારાષ્ટ્રની યુવતીને આ બાબતે અંધારામાં રાખી બીજા લગ્ન કરનાર પતિને ટ્રાયલ કોર્ટે સજા ફટકારી હતી, આ ચુકાદા સામે તેણે ભચાઉ સેશન્સ કોર્ટમાં કરેલી મુક્તિ માટેની અરજી પણ કોર્ટે નકારી ટ્રાયલકોર્ટનો ચુકાદો યથાવત રાખવાનો હુકમ કર્યો હતો.

ભચાઉ તાલુકાના વોંધ ગામના વતની ઇન્દુબેન ચૌધરીએ તેમના પતિ દિલીપ ગોવા ચૌધરી તેમજ અન્ય છ વ્યક્તિઓ વિરૂધ્ધ આદિપુર મહિલા પોલીસ મથકે તા.23 જુન 2014 ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે દિલીપ ગોવા ચૌધરી અને અન્ય છ વ્યક્તીઓએ વોંધ તેમજ મુંબઇ લઇ જઇ શારીરીક અને માનસિક ત્રાસ આપ્યો હતો. તે ઉપરાંત ઇન્દુબેનના પતિ દિલિપભાઇએ તેમને અંધારામાં રાખી પ્રથમ લગ્ન હયાત હોવા છતાં મહારાષ્ટ્રની સોનલ કાશીનાથ સાથે પ્રથમ લગ્નની હકિકત છૂપાવી બીજા લગ્ન કર્યા હતા.

આ કેસ ભચાઉના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.ટી.ગુરનાનીની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં દસ્તાવેજી આધારો અને મૌખિક પુરાવાઓના આધારે દિલીપ ગોવાભાઇ ચૌધરીને તકસિરવાર ઠેરવી 3 વર્ષની કેદની સજા તેમજ રૂ.10,000 નો દંડ ફટકારાયો હતો. આ ચુકાદા સામે દિલીપ ગોવા ચૌધરીએ ભચાઉની સેશન્સ કોર્ટમાં અપીલ કરી મુક્ત કરવા માંગ કરી હતી. આ અરજીની સુનાવણીમાં અધિક સેશન્સ જજે નીચેની કોર્ટે આપેલો ચુકાદો માન્ય રાખી દિલીપ ચૌધરીને 3 વર્ષની કેદની સજા અને રૂ.10,000 નો દંડનો હુકમ માન્ય રાખ્યો હતો. સરકાર તરફે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ ધારદાર દલીલો કરી હતી. તેમજ ટ્રાયલ કોર્ટમાં મૂળ ફરિયાદીના વકીલ નવિન એમ. મિયોત્રાએ હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...