ભચાઉના નાની ચીરઇ પાસે ગત રાત્રે બુકાનીધારી ઇસમોએ છરીની અણીએ રૂ.49.44 લાખનું સોયાબીન તેલ ભરેલા ટેન્કરની કરેલી સનસનીખેજ લૂંટના બનાવને અંજામ આપનાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ ભીમાસર કાનજી આહિર, મીઠીરોહરના પ્રકાશ શામજી આહિર અને આદિપુરના અમિત નરેન્દ્રભાઇ ભટ્ટને સ્થાનિક પોલીસે દબોચી લઇ ટેન્કર સહીત તમામ મુદ્દામાલ રીકવર કરી ભેદ ઉકેલી લીધો હતો. જોકે, આ ઘટનાને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ બે સહિત 4 આરોપીઓને પકડવાના બાકી છે.
આ બાબતે પીઆઇ જી.એલ.ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,ટેન્કર ચાલક હનુમાનરામ ધીમારામ બિશ્નોઇ કંડલાના ઇમામી એગ્રોમાંથી ટેન્કરમાં રૂ.49,44,980 ની કિંમતનું 33.880 ટન સોયાબીન રિફાઇન તેલ લોડ કરીને તા.10/8 ના સાંજે નિકળ્યો હતો. તે ઇ-વે બીલ લેવા નાની ચીરઇ પાસેના ગણેશ પેટ્રોલપમ્પ બાજુમાં મુરલીધર ઓફિસમાં રોકાયો હતો. વાર લાગે તેમ હોઇ તે ટેન્કરમાં બેઠો હતો ત્યારે 9:30 વાગ્યે ડ્રાઇવર સાઇડમાંથી એક અને બીજી તરફથી બે બુકાની ધારી ઇસમો ટેન્કરમાં ઘૂસ્યા હતા અને તેની આંખમાં પાટો બાંધી છરી ગળે રાખી મારી નાખવાની ધમકી આપી હતી અને ગાડી હંકારી ગયા હતા.
આગળ જઇને બે બુકાનીધારીઓ હનુમાનરામને બાવળની ઝાડીઓમાં લઇ ગયા હતા. એક ડ્રાઇવર બુકાનીધારી ટેન્કર લઇને ગયો હતો. અઢી કલાક બાદ ટેન્કર ખાલી કરીને હાઇવે પર રાખી હનુમારામને સામખિયાળી સુધી જતા રહેવા કહ્યુ઼ હતું. હનુમારામે આગળ જઇ તપાસ કરી તો ટેન્કરમાંથી બધું તેલ કાઢી લેવાયું હોવાનો ખ્યાલ આવતાં તેમણે શેઠીયાઓને ફોન કરી બોલાવી લીધા હતા અને આ સનસની ખેજ લૂંટના બનાવમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આ લૂંટની ઘટનાનો તાગ મેળવવા તજવીજ હાથ ધરી હતી જેમાં આ લૂંટને ખારીરોહરના સલીમ અભુ નાઇ, તથા તેના અન્ય બે સાથીદારોએ કરી હોવાનો ખ્યાલ આવ્યા બાદ પોલીસે અંજારના ભીમાસર કાનજી આહિર, મીઠીરોહરના પ્રકાશ શામજી આહિર અને આદિપુરના અમિત નરેન્દ્રભાઇ ભટ્ટને દબોચી લીધા હતા . જો કે , આ લૂંટને અંજામ આપી 49.44 લાખનું સોયા રિફાઇન તેલસગેવગે કરનાર મુખ્ય ભેજું ખારીરોહરના સલીમ અભુ નાઇ અને તેના બે સાગરિતો તેમજ અંજારના સંઘડના ગોપાલ રવજીડાંગર હજી પોલીસ પકડથી દૂર છે.
કંડલા ગાંધીધામમાંથી નિકળતી આ ચોરીઓ બંધ કરવા ધાક બેસાડતી કામગીરી જરૂરી
કંડલા, ગાંધીધામથી નિકળતી તેલ કે ખાદ્ય ચીજવસ્તુઓ ભરીને નિકળતી મોટી ગાડીઓને હાઇવે પર રોકી તેમાંથી ચોરી અને લૂંટના બનાવો છેલ્લા થોડાક સમયથી વધી રહ્યા છે. થોડા સમય પહેલાં ખાંડ ભરેલી 8 ટ્રક સગેવગે કરાઇ હતી, તો ત્યારબાદ શિકારપુર પાસે ટેન્કરમાંથી તેલ કાઢી લઇ આગળ પલટી ખવડાવી તેલ સગેવગે કરાયું હતું જેમાં બે આરોપી પકડાયા હતા. હવે આ પ્રકારના વધી રહેલા બનાવથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભારે ભયના ઓથાર હેઠળ ધંધો કરી રહ્યો છે. ત્યારે આ પ્રકારના ચોરી-લૂંટના બનાવને અંજામ આપતી ગેંગને પકડી ધાક બેસાડતી કાર્યવાહી થાય તેવો સૂર ઉઠ્યો છે.
સલીમ નાઇ અને સાગરીતોએ લૂંટ કરી, જયેશ અને ગોપાલે તેલ બીજી ગાડીમાં સગેવગે કર્યું
ટેન્કર ચાલક કેબિનમાં બેઠો હતો ત્યારે છરી સાથે કેબીનમાં ઘૂસેલા ત્રણ બુકાનીધારીઓમાં ખારીરોહરના સલીમ અભુ નાઇ અને તેના બે સાગરિતો એ આ લૂંટને અંજામ આપ્યો હતો. ત્યારબાદ ટેન્કર ભીમાસર રસ્તે લઇ જવાયું હતું જ્યાં પહેલાથી જ પ્લાન મુજબ તૈયાર મુખ્ય સૂત્રધાર ભીમાસરના જયેશકાનજી આહિર અને સંઘડના ગોપાલ રવજી ડાંગરે લૂંટ કરાયેલા ટેન્કરમાંથી 49.44 લાખનું સોયા રિફાઇન ઓઇલ બીજા ટેન્કરમાં સગેવગે કર્યું હતું. ત્યારબાદ ફરી લૂંટેલું ટેન્કર ફરી હાઇવે પર છોડાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.