ચોરી:ભચાઉમાં વેપારીને ગળે છરી રાખી બાઇકની લૂંટ

ભચાઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેપારી - Divya Bhaskar
વેપારી
  • ભર બપોરે બનેલી ઘટનામાં કપડાના વેપારી ચાર જણા ઇજા પહોંચાડી ઘટનાને અંજામ આપ્યો

વાગડમાં જાણે કોઇનો ખોફ ન હોય તે રીતે અસામાજિક તત્વો ગંભીર ઘટનાઓને અંજામ આપતા રહે છે જેમાં ભચાઉમાં આજે ભર બપોરે જમવા ઘરે જઇ રહેલા વેપારીને ચાર જણાએ ઘેરી લીધા બાદ એક શખ્સે વેપારીના ગળે છરી રાખી હું કોલીયાસરીનો ડોન છું કહી રૂ.50 હજારની બાઇક હંકારી જઇ લૂંટના બનાવને અંજામ આપતાં ચકચાર મચી જવા પામી હતી.

આ બાબતે ભોગ બનનાર કપડાના વેપારી જગદીશ જમનાદાસ ઠક્કરને રૂબરૂ મળતા તેણે જણાવ્યું હતું કે, તેઓ બપોરે દુકાનેથી ઘરે જમવા જઈ રહ્યા હતા ત્યારે શહેરના ભરચક અને જાણીતા જય માતાજી ચોકમાં બપોરના 01:45 મિનિટે ચાર અજાણ્યા ઇસમોએ તેમને રોક્યા હતા જેમાંથી એક જણાએ રી બતાવી તારૂં બાઇક આપી દે કહેતાં જગદિશભાઇએ તમે કોણ છો પુછતાં તેણે હું કોલિયાસરીનો ડોન છું કહી ઝપાઝપી કરી ગળામાં નખોળિયા ભરી ઇજા પહોંચાડી હતી અને તેમની બાઇક અને મોબાઇલ લઇ ચારે જણા ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની વાત થોડી વારમાં આખા શહેરમાં વહેતી થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો અને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી.

‘હું અહીંનો ડોન છું’ કહી રોફ મારનારો શખ્સ પોલીસ માટે પડકાર બન્યો
ભચાઉમાં કપડાના વેપારીને રોકી પોતાને ડોન તરીકે ઓળખાવી છરીની અણીએ લૂંટને અંજામ આપનાર શખ્સે પોલીસ સમક્ષ પડકાર ઉભો કર્યો છે. કારણકે સારા જાહેર આ રીતે પોતાને ડોન તરીકે ઓળખાવી લૂંટ કરે તેનો મતલબ આ પ્રકાનરના તત્વોને કોઇ ખોફ નથી રહ્યો , હવે જોવું એ રહ્યું કે પોલીસ આરોપીઓને પકડી ધાક બેસાડતી કામગીરી કરે છે કે નહીં?

શહેરના સીસી ટીવી કેમેરા 15 માસથી બંધ કેમ ?
શહેરમાં છેલ્લા 15 માસ જેટલા વધુ સમય થી સીસી ટીવી કેમેરા બંધ હાલતમાં છે જેના કારણે અસામાજિક તત્વો નાની મોટી ઘટનાઓને અંજામ આપે તે કદાચ ડિટેક્ટ કરવું હોય તો પણ મુશ્કેલી પડે ત્યારે સવાલ એ છે કે સુરક્ષાની દ્રષ્ટિએ લગાવવામાં આવેલા આ સીસી ટીવી કેમેરા 15 માસથી બંધ કેમ છે ? શું નગરપાલિકા ,પોલીસ, કે વેપારીઓ ને ચાલુ કરાવવા માં રસ નથી? ભચાઉમાં આજે લૂંટ જેવા ગંભીર બનાવમાં પોલીસને યોગ્ય તપાસ માટે જેની ખાસ જરૂર હોય છે તેવા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...