તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:નારાણસરીમાં બાળક જોઇ ગયું તો તસ્કરોએ બંધક બનાવી ઘરમાંથી 6 લાખની લૂંટ કરી જતા ચકચાર

સામખિયાળી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છમાં લાંબા સમય બાદ લૂંટની મોટી ઘટના
  • લગ્નપ્રસંગે આવેલો મુંબઇ વસતો પરિવાર ધાબા ઉપર હતો, નીચે ઘટનાને અંજામ અપાયો

ભાચાઉ તાલુકાના નારાણસરી ગામ ખાતે લગ્ન પ્રસંગે મુંબઇથી વતનમાં આવેલો પરિવાર ધાબા ઉપર બેઠો હતો અને નીચે ચોરી કરવા ઘરમાં ઘૂસેલા તસ્કરોને મોટર બંધ કરવા આવેલા નાના બાળકે જોઇ લેતાં છરી બતાવી તેને બંધક બનાવી દાગીના અને રોકડ સહિત અંદાજે 6 લાખ રૂપિયાની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે. જો કે મોડે સુધી આ બાબતે લાકડિયા પોલીસ મથકના ચોપડે કંઇ નોંધાયું ન હતું.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ગણેશાભાઇ મોમાયાભાઇ સાંઢા (પટેલ) નો પરિવાર મુંબઇથી પોતાના વતન નારાણસરી ગામ ખાતે લગ્નપ્રસંગે આવ્યો હતો. ઘણા સમય બાદ વતન આવેલો પરિવાર ગત રાત્રે જમીને ધાબા ઉપર હવા ખાવા બેઠો હતો. તે દરમિયાન પાણીનું ટાંકું છલકાતાં આ પરિવારના 10 વર્ષીય શુભમને મોટર બંધ કરવા જવાનું કહેતાં શુભમ નીચે ગયો હતો. તે નીચે પહોંચ્યો ત્યારે દરવાજા ખુલ્લા હતા અને અંદર ઘૂસેલા બે ઇસમો ચોરીને અંજામ આપવા ખાંખાખોળા કરી રહ્યા હતા.

શુભમે બૂમ પાડવાનો પ્રયાસ કરતાં બન્ને ઇસમોએ છરી બતાવી મોઢા ઉપર પટ્ટી બાંધી તેને બંધક બનાવ્યો હતો અને અંદાજે 6 લાખની કિંમતના દાગીના અને રોકડની લૂંટને અંજામ આપી તે ઇસમો રફ્ફુચક્કર થઇ ગયા હતા. ત્યારબાદ શુભમે પટ્ટી ખોલી બૂમાબૂમ કરતાં પરિવાર સફાળો નીચે આવ્યો હતો ત્યારે ઘર વેર વિખેર પડ્યું હતું. જો કે આ બાબતે મોડે સુધી લાકડિયા પોલીસ મથકના ચોપડે આ ઘટના બાબતે કશું નોંધાયું ન હતું. પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ ઘટનાસ્થળે તપાસ માટે દોડી જઇ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

ચોરી કરવા અંદર ઘૂસેલા તસ્કરોએ બાળક જોઇ જતાં છરી દેખાડી છ લાખની લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે કારણકે રાપરમાં થયેલી મોટી લૂંટના બનાવ બાદ લાંબા સમય પછી પૂર્વ કચ્છમાં આટલી મોટી લૂંટની ઘટના બની છે.

તસ્કરોને જોઇ ગયેલા બાળકને છરી લાગી હોવાનું પણ બહાર આવ્યું
આ ઘટનામાં પરિવાર ઉપર બેઠો હતો અને નીચે તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા હતા જેમને જોઇ ગયેલા શુભમને તસ્કરોએ છરી બતાવી મોઢે પટ્ટી બાંધી હતી આ ખેંચતાણમાં શુભમને હાથમાં છરીનો છરકો પણ લાગ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
જાણભેદુઓએ અંજામ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું
નારાણસરી ખાતે ચોરી કરવા ઘરમાં ઘૂસેલા તસ્કરોએ 10 વર્ષીય બાળકને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટનામાં સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ કોઇ જાણભેદુએ જ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...