માથાકૂટ:કચ્છમાં મતદાન દરમિયાન છ સ્થળોએ થઇ માથાકૂટ

ભચાઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાડવારામાં જૂની અદાવતના મુદ્દે ટોળું ભેગું થયું
  • પોલીસે લોકોને વિખેરતા ચૂંટણી પર અસર ન થઇ

ભચાઉ તાલુકાના છાડવાળા ગામમાં મતદાનના દિવસે ડખ્ખો થયો હતો. સાંજના બનેલા બનાવમાં મતદાન મથક પાસે લોકોનું મોટું ટોળુ એકત્ર થયું હતું. જેને પોલીસ દ્વારા ચૂંટણીની જોગવાઈને લઇ વિખરવામાં અાવ્યુ હતું. છાડવાડામાં સાંજના બનેલા બનાવમાં વૃદ્ધઓને મતદાન માટે લઈને સાથે આવતા લોકોને રોકતા મામલો બીચકાયો હતો.

એક તરફ એવી પણ વાતો થઇ હતી કે કોર્ટના હુકમનો અનાદર કરીને બે લોકો અહીં મતદાન કરી ગયા છે. જે સોશિયલ મીડિયામાં પણ મેસેજ વહેતો થયો હતો. જોકે આ બાબતે ભચાઉ પીઆઈએસ એન. ગડડુ એ જણાવ્યું કે તડીપાર કરાયેલો કોઇ શખ્સ ગામમાં અાવ્યો નથી. છાડવાળામાં મતદાન મથક નજીક લોકોનું ટોળું એકત્ર થઈ જતા લોકોને દૂર કરવામાં આવ્યા હતા. અને ગામમાં જૂની અદાવતને લઈ દૂર બોલા ચાલી થઈ હતી પણ મતદાન મથક પર તેની કોઇ અસર થઇ ન હતી.

ભડલીમાં ઉમેદવારે વિવાદ સર્જી દોઢ કલાક મતદાન બંધ કરાવ્યું
ભડલીમાં સરપંચપદના ત્રિપાંખીયા જંગ વચ્ચે બૂથ પર ઉમેદવારે વિવાદ સર્જતા દોઢ કલાક સુધી મતદાન બંધ રહ્યું હતું. બહારગામના લોકો શા માટે મતદાન કરે છે, તેવું કહી એક ઉમેદવારે પોતાના પોલિંગ એજન્ટોને બોલાવી હંગામો મચાવી મતદાન થોભાવ્યું હતું. અમૂક મતદારોના ગામમાં નામ છે, તેમજ અન્ય જિલ્લામાં પણ મતદારયાદીમાં નામ હોવાની વાતને લઇને આ વિવાદ સર્જાયો હતો. આ બાબતે ઝોનલ ઓફિસર એચ. કે. ગરવાને પૂછતાં તેમણે જણાવ્યું કે, મતદાન બંધ રહ્યું નથી પણ એક ઉમેદવારે પ્રશ્નો કર્યો હતો કે બહારગામથી આવેલા લોકો શા માટે મતદાન કરે છે, જેને લઇને વિવાદ સર્જાયો હતો. યાદીમાં નામ હોવાથી અહીં મતદાન કરાયું હતું, જેની ખરાઇ પણ કરાઇ હતી.

ભારાપરમાં સાંજે વાંધાવચકા થકી વિલંબ
ભુજ તાલુકાના ભારાપર ગામે સાંજે સામાન્ય માથાકુટ સર્જાઇ હતી. મતદાન એક તરફી થતું હોવાનું જણાતા બીજા હરીફના લોકોએ મતદાન પૂરૂં થવા પૂર્વે વાંધો ઉપાડ્યો હતો. અલબત્ત પ્રાંગણમાં પ્રવેશી ગયેલાઓને મતદાન કરવા દેવાતાં સાંજે મોડે સુધી અંધારામાં વોટીંગ પ્રક્રિયા જારી રહી હતી.

ઘાણીથરમાં બે જૂથો સામ-સામે અાવી ગયા
રાપર તાલુકાના ઘાણીથર ગામે મતદાન દરમ્યાન બે જૂથો અામને-સામને આવી ગયા હતા અને થોડો વાતાવરણ તંગ બનતાં થોડા સમય માટે મતદાન પ્રક્રિયા થંભી ગઇ હતી. જો કે બાદમાં મામલો શાંત પડતાં રાબેતા મુજબ મતદાન ચાલુ રહ્યું હતું.

શિવગઢમાં મતદાન મથક પાસે પીધેલો છરી સાથે જબ્બે
શિવગઢની પ્રા. શાળાના મતદાન મથક નજીક પેટ્રોલિંગ કરી રહેલી બાલાસર પોલીસે નશામાં ધૂત હાલતમાં જઇ રહેલા પ્રવિણભાઇ તેજાભાઇ મુછડીયા (પરમાર) ને રોકી તલાશી લેતાં આ પીધેલા શખ્સ પાસે ભેઠમાં રાખેલી છરી પણ મળી આવતાં બાલાસર પોલીસે તેના વિરૂધ્ધ બે અલગ અલગ ગુના નોંધ્યા હતા.

સુમરાસર(શેખ)માં DySP અને અગ્રણી વચ્ચે ચકમક
ભુજ તાલુકાના સુમરાસર(શેખ)માં બે પ્રતિ સ્પર્ધીના જૂથ મતદાન મથક નજીક એકત્ર થયેલા હોવાથી નાયબ પોલીસવડાએ તેમને ચાલ્યા જવાનું કહેતાં પૂર્વ સરપંચે રકઝક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...