કોરોના બેકાબૂ:ભચાઉમાં જીવતા બોમ્બની જેમ ફરી રહ્યા છે કોરોનાના પોઝિટિવ દર્દીઓ

ભચાઉએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ બેંકના મેનેજર પણ સંક્રમિત થતા માત્ર નાણાની લેવડ-દેવડ કરાશે

ભચાઉમાં થોડા દિવસથી કોરોના કેસોમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે તેવામાં તંત્ર દ્વારા દર્દીઓના નામ જાહેર ન કરાતા સંક્રમણનું જોખમ વધ્યું છે કારણકે લોકો દર્દી અને તેના પરિવારને ઓળખી શકતા નથી જેથી અન્ય લોકોને પણ ચેપ લાગે છે. કેટલાક પોઝિટિવ દર્દીઓ જીવતા બોમ્બની જેમ જાહેરમાં ફરતા હોવાનું જાણવા મળ્યું હતું.

કેટલાક લોકોને કોરોના હોવા છતાં પોતે અને પરિવાર પૂરતી સાવચેતી રાખી રહ્યા નથી અને જીવતા બોમ્બની જેમ તેઓ બહાર ફરી રહ્યા છે આ કારણે ભચાઉ અને તાલુકાભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સરકારી કચેરીઓમાં પણ અમુક જગ્યાએ કોરોના દર્દીઓ આવી ચૂક્યા છે તેમજ શુક્રવારે ભચાઉની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પણ અધિકારી તેમજ અન્ય એક વ્યક્તિ સંક્રમિત થતાં બેંકમાં માત્ર બે-બે લોકોને અંદર જવા દેવામા આવે છે અને માત્ર નાણાંકીય વ્યવહાર જ ચાલુ રાખવામાં આવશે જેથી લોકોની ભીડભાડ ઓછી રહે. બજારોમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના ફરી રહ્યા છે ત્યારે તંત્ર તાકીદે પગલા ભરે તે સમયની માંગ છે.

કચ્છમાં પ્રથમ આરોગ્ય કર્મચારીનું કોરોનાથી મોત
ભચાઉ આરોગ્ય વિભાગમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા શાહ શૈલેષભાઈ ઇશ્વરભાઇ મહેશ્વરીને ભુજની જનરલ હોસ્પિટલમાં 14 દિવસની કોરોનાની સારવાર બાદ તેઓ મહામારી સામેનો જંગ હારી ગયા હતા. કચ્છમાં પ્રથમવાર કોઇ આરોગ્ય કર્મીનું કોરોનાને કારણે મોત થયું છે.

ભચાઉનો વધુ એક વિસ્તાર પ્રતિબંધિત
કોરોના મહામારીના પગલે ભચાઉનો વધુ એક વિસ્તાર પ્રતિબંધિત કરાયો છે. શહેરની તાલુકા પંચાયતના પાછળના વિસ્તારમાં મહેન્દ્રસિંહ મમુજી રાઠોડના ઘરથી કનકસિંહ વાઘેલાના ઘરને તા.7/10 સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...