તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સામખિયાળી કંપનીમાં હોપર સ્ટોકનું ઢાંકણું ખુલતા કોલસામાં દટાતાં કામદારનું મોત

સામખિયાળી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પિતાનું છત્ર ગુમાવનાર પુત્ર - Divya Bhaskar
પિતાનું છત્ર ગુમાવનાર પુત્ર
  • કંપનીઓમાં સમયાંતરે કામદારોના મોત પછી પણ સલામતી બાબતે તંત્ર નિરસ કેમ?
  • પાલનહાર પિતાનું છત્ર દોઢ વર્ષના પુત્રએ ગુમાવ્યું : કંપનીએ વળતર આપવાનું કહ્યું

ભચાઉ તાલુકામાં આવેલી ગેલન્ટ કંપનીમાં ગત મધરાત્રે હોપર સ્ટોકનું ઢાંકણું અચાનક ખુલી જતાં ત્યાં કામ કરી રહેલા 24 વર્ષીય કામદારનું કોલસામાં દટાઇ જતાં મોત નિપજ્યું હતું. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના ધાર તાલુકાના આમાકુંડીયાનો હાલે ગેલન્ટ કંપનીની પ્લાન્ટ કોલોનીમાં રહેતો 24 વર્ષીય સોહન ગેંડાલાલ ડાભી ગત રાત્રે 1 વાગ્યાના અરસામાં કામ કરી રહ્યો હતો ત્યારે કોલસાની હોપર સ્ટોકનું ઢાંકણું ખોલવા જતાં કોલસાનો બધો હોપાર તેના ઉપર પડ્યો હતો જેમાં ગૂંગળાઇને તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બનતાં કંપનીના જવાબદારો ધસી ગયા હતા અને મૃતદેહ હોસ્પિટલ લઇ જવાયો હતો.

મધ્યપ્રદેશના આ 24 વર્ષીય કામદારનું મોત નિપજતાં દોઢ વર્ષના પુત્રએ પાલનહાર પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાને કારણે પરિવાર ઉપર આભ ફાટ્યું છે. આ બાબતે કંપનીના અધિકારી સુશિલકુમારે જણાવ્યું હતું કે અકસ્માતમાં મોતને ભેટેલા આ કામદારના પરિવારને કંપની તાત્કાલિક રૂ.2 લાખનું વળતર ચૂકવશે અને ત્યારબાદ કંપનીના નિયમો મુજબ જે પણ લાભો મળતા હશે તે પણ તાત્કાલિક પ્રક્રીયા પુર્ણ કરી ચૂકવી દેવાશે, હાલ તો આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે. અહીં નોંધવું રહ્યુ઼ કે આ વિસ્તારમાં આવેલી મોટી મોટી કંપનીઓમાં સમયાંતરે કામદારોના મોતની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ સલામતીના નિયમો બાબતે તંત્ર દ્વારા કેમ કામગીરી કરાતી નથી એ સવાલો બનાવ સમયે ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...