મેદાને ઉતાર્યા:ભચાઉ વોર્ડ 2ની પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ભચાઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે અવસાન પામેલા નગર સેવકના પુત્રને તો કોંગ્રેસે વોર્ડ નં.3 ના નગર સેવકના પુત્ર અને આપે મુંબઈ વસતા મહિલાને મેદાને ઉતાર્યા

ભચાઉ નગરપાલિકાના વોર્ડ નંબર બે ના ઉમેદવારનું આકસ્મિક અવસાન થયા બાદ ખાલી પડેલી સીટ માટેની પેટાચૂંટણી માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. નગરસેવક ઝાલા વનરાજસિંહ ભાણુભાનું આકસ્મિક અવસાન થયા બાદ ખાલી પડેલી સીટ માટે આગામી 3 ઓક્ટોબરના ચૂંટણી જાહેર થયેલી છે તેની જાહેરાત બાદ આજે તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોતા ભચાઉ પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.

વોર્ડ નંબર બેના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી અવસાન પામેલા વનરાજસિંહ ઝાલાના પુત્ર અક્ષયસિંહ વનરાજસિંહ ઝાલાના નામનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. તેને વિકાસભાઈ મોહનભાઈ રાજગોરે ટેકો આપ્યો હતો. કોંગ્રેસ તરફથી જયેશભાઈ ગણેશભાઈ ગરવા તેમના પિતા ભચાઉ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 3 ના કોંગ્રેસે ઉમેદવાર છે. આમ આદમી પાર્ટી તરફથી મૂળ ભચાઉના મુંબઈ રહેતા મંજુલાબેન કાંતિલાલ કરીયાએ ઉમેદવારી નોંધાવી હતી.

ફોર્મ ભરવા માટેની પ્રક્રિયામાં ભચાઉ કોંગ્રેસના ભરતભાઈ છગનભાઈ ઠકકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બટુક સિંહ જાડેજા તેમજ કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અરજણભાઈ રબારી શહેર પ્રમુખ ઉમિયાશંકર ભાઈ જોશી, નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન જોષી, ભચાઉ નગરપાલિકાના શાસક પક્ષના નેતા કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, વિકાસભાઇ રાજગોર તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારના ફોર્મ ભરવા સમય ભચાઉ તાલુકા આપના પ્રમુખ રામજીભાઈ ભુટક પટેલ અને આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...