કુદરતી અડચણ:રણમાં મીઠાના થર જામી જતાં એકલ-બાંભણકા કાચો માર્ગ બિનઉપયોગી

કકરવા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાકૃતિક પરિવર્તન થકી વર્ષો જૂનો રસ્તો થયો બંધ

પ્રાકૃતિક પરિવર્તનના કારણે રણમાં મીઠાના થર જામી જતાં અેકલ-બાંભણકાનો કાચો માર્ગ બિનઉપયોગી બન્યો છે. અગાઉ ચોમાસાના બે માસમાં રણમાં પાણી સુકાઇ જતા અને અા માર્ગ પરથી લોકો અાવ-જા કરી શકતા હતા.

ભચાઉ તાલુકાનો અેકલ-બાંભણકા કાચો રસ્તો અા વખતે માનવ સર્જિત અડચણ નહીં પરંતુ કુદરતી પરિબળોના કારણે ફરીથી ચર્ચાની અેરણે ચડ્યો છે. 1986 સુધી અા માર્ગે અેસ.ટી. બસ ચાલતી હતી. ચોમાસા બાદ બે મહિનામાં જ રણમાંથી પાણી ગાયબ થઇ જતું હતું અને રણ સુકાઇ જતો હતો. અેકલ માતાજી મંદિરના મહંત દેવનાથ બાપુઅે જણાવ્યું હતું કે, શિયાળાના અંતમાં અા માર્ગ શરૂ થઇ જતો હતો અને વાહનો પસાર થતાં અા રણમાં ધૂળની ડમરીઅો ઉડતી હતી, જેથી રણની બંને કાંધીઅે વસતા લોકોને દુરથી ખબર પડી જતી કે, વાહન અાવે છે, જાય છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે અને મીઠાના થર જામી જતાં અા માર્ગ બિનઉપયગી બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રણમાં પાણી સુકાઇ જતા લોકો આ માર્ગનો ઉપયોગ કરી શકતા હતા.

અગાઉ અહીં મીઠુ પાકતું હતું
રણની બંને કાંધીઅે વસતા લોકો જીવન જરૂરી મીઠુ મેળવવા માટે કાંકીડિયાની નકટી વાળી શેરણી અેટલે કે, ગળણ વાળી જમીન, અમરાપર (ખડીર)ના રણમાં જયાં રોડ બનાવવા માટે ખાડા કરાયા છે તેમાં મીઠુ પકવતા હતા પરંતુ હવે સમગ્ર રણ નમકાચ્છાદિત બની ગયો છે. સામે પાર પાકિસ્તાન દ્વારા ડેમ બનાવી રણના પાણીની અાવક અવરોધવામાં અાવી છે. અગાઉ વરસાદી પાણીના કારણે રણ ધોવાતું હતું પરંતુ હાલે પાણીની અાવક બંધ થતાં અા પ્રક્રિયા બંધ થઇ ગઇ છે અને કાયમી ધોરણે મીઠુ જમા થવા લાગ્યું છે. પાણીનું બાષ્પીભવન અટકતાં રણ કાદવયુક્ત બન્યું છે. હવે અા રણમાં પાણી ન હોય તો પણ મીઠાના કારણે કુદરતે અા રસ્તો બંધ કરી દીધો છે. અગાઉ લોકો ગાડાથી અેકલ માતાજીના દર્શનાર્થે અાવતા હતા પરંતુ તે હવે ભૂતકાળ બની ગયું છે.

રણમાં અેકલ-બાંભણકાનો 18 કિ.મી. રસ્તો બને તો ય ભયોભયો
ખડીરવાસીઅોને તાલુકા મથક ભચાઉ પહોંચવા માટે અાજેય 150 કિ.મી.નું અંતર કાપવું પડે છે. જો રણમાં 18 કિ.મી.નો અેકલ-બાંભણકા માર્ગ બને તો અા હાલાકી દુર થાય તેમ છે. વધુમાં ધોળાવીરા વૈશ્વિક ધરોહર જાહેર થતાં ત્યાં જવા માટે પણ લોકોને ટૂંકો રસ્તો મળી જશે અેમ અેકલ માતાજી મંદિરના મહંત દેવનાથ બાપુઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...