અનોખી સેવા:અંજારમાં રમજાન માસ શરૂ થતાં મજુરી કામ કરતા યુવાનોએ પડતર ભાવમાં ફળ વેચવાનું શરૂ કર્યું, રોજના 1200 કિલોથી વધુનું વેચાણ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારીના માર વચ્ચે આર્થિક રીતે ગરીબ પણ દિલના અમીર યુવાનોની અનોખી સેવા

અંજારમાં મજુરી કામ કરતા યુવાનોએ રમજાન માસમાં અનોખી સેવા શરૂ કરી છે. હાલે પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. તેવા સમયે રોજો છોડ્યા બાદ ઈફ્તાર સમયે ફળોની સૌથી વધુ જરૂરત રહેતી હોય છે. પરંતુ રમજાન માસ શરૂ થાય તે પહેલા જ ફળોના ભોવોમાં ભડકે બળે તેવી તેજી આવી જતા ફળ ખરીદવું ગરીબ લોકો માટે તો ખુબ અઘરું બની ગયું હતું.

તેવા સમયે લોકો સુધી સાચી સેવા પહોંચી શકે તેવા પવિત્ર ઉદ્દેશ્યથી શાકમાર્કેટમાં મજુરી કરતા યુવાન જાવેદ રમજુભાઇ નોતિયારને સેવા કરવા માટે એક માર્ગ દેખાયો અને ભંગારની ફેરી કરતો આરીફ મામદભાઈ કુંભાર તેમજ જી.ઈ.બી.માં ઠેકેદાર અસલમ અલીમામદ તુર્ક સાથે ચર્ચા કરી લોકોને હોલસેલના ભાવે ફળો મળી રહે તે માટે પડતર ભાવે રમજાન માસ દરમ્યાન સેવા કરવાનું નક્કી કરવામાં આવ્યું.

આર્થિક રીતે ભલે ગરીબ પણ દિલના અમીર આ યુવાનોએ પોતાની રોજગારીનો સ્થળ એટલે કે કામના સ્થળનો એક મહિના માટે ત્યાગ કરી સંપૂર્ણ રમજાન માસ દરમિયાન લોકોને સસ્તા ફળો આપવા ગંગાનાકા મધ્યે લારી પર ફળો વેચવાનું શરૂ કર્યું હતું. સવારે વહેલા ઉઠી હોલસેલ ભાવે ફળો મેળવી સવારથી બપોરના 1 અને બાદ સાંજના 4 થી 7 વાગ્યા સુધી લારી પર સેવા કાર્ય શરુ કરવામાં આવતા મોંઘવારીના સમયે સસ્તા ભાવે ફળો મેળવવા મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોચી આવતા હોવાથી દરરોજ અંદાજીત 1200 કિલોથી પણ વધુ ફળોનો વેચાણ થઇ રહ્યો છે. રમજાન માસ દરમ્યાન એક પણ રૂપિયો કમાયા વગર દિલથી કરવામાં આવતી સેવા લોકોને સીધી અસર કરી રહી છે.

આ અંગે વોર્ડ નં. 8ના નગરસેવક મામદહુસેન સૈયદે જણાવ્યું હતું કે, યુવાનો દ્વારા સાચા અર્થમાં સેવા કરવામાં આવી રહી છે. તમામ યુવાનોની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં એક મહિના માટે પોતાનું કામ પણ મૂકી દીધું છે અને સેવામાં લાગી ગયા છે. વળી આકરા તાપમાં સેવાની સાથે તે યુવાનો રોજો પણ રાખતા હોવાથી સેવા સાથે તેઓ ઈબાદત પણ કરી રહ્યા છે.

આવતા વર્ષે એકની જગ્યાએ ત્રણ સ્થળોએ લારી લગાવશે
આ અંગે યુવાનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સેવા કાર્ય શરુ કાર્ય બાદ અનેક વિસ્તારોમાં આ પ્રકારની સેવા પહોચાડાય તે બાબત જણાઈ આવતા હવે આવતા વર્ષે માત્ર ગંગાનાકા ઉપરાંત શહેરના અન્ય 2 સ્થળોએ લારી લગાવશું અને અમારાથી થઇ શકશે તેટલી સેવાઓ લોકો સુધી પહોચાડીશું.

અન્ય સમાચારો પણ છે...