પરેશાની:બે વાહનો ખોટવાઈ જતા સુગારિયા ફાટક પાસે 2 કિ.મી. લાંબો ટ્રાફિક

અંજાર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક અને છોટાહાથી બંધ પડી જતાં લોકોને પરેશાની, પોલીસ દોડતી થઈ

અંજાર તાલુકાના સુગારીયા નજીક આવેલા રેલવે ફાટક પર અચાનક 2 વાહનો ખોટવાઈ જતા 2 કી.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ અંજારથી ભુજ તરફ જતા હાઇવે પર અંજાર તાલુકાના સુગારીયા ગામ નજીક આવેલા રેલ્વે ફાટક પર એક છોટા હાથી તથા એક ટ્રક એક સાથે અચાનક બંધ પડી ગયા હતા.

જેના કારણે બંને તરફનો ટ્રાફિક અવરોધાયો હતો. જેથી બંને તરફે અંદાજિત 2 કી.મી. જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાવાના કારણે લોકો પરેશાન થયા હતા અને અંદાજિત દોઢ કલાક જેટલો લોકોનો સમય પણ વેડફાયો હતો. તો બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા અંજાર પોલીસને પણ દોડવાનો વારો આવ્યો હતો અને મહામહેનતે બંને વાહનોને રોડ પરથી ખસેડયા બાદ ટ્રાફિક સમસ્યા નિવરવામાં મદદ મળી હતી.

રેલ્વેની ભૂલના કારણે અઠવાડિયામાં 2 વખત સમસ્યા સર્જાય છે
સુગારીયા ફાટક વળાંક વાળો હોવાથી સામાન્ય રીતે વાહનોને પસાર થવામાં તકલીફ પડે છે. તેમાંય વળી રેલ્વે વિભાગ દ્વારા સેફટી ગ્રીલ છેક રોડ સુધી બાંધવામાં આવી હોવાથી 2 ટ્રક એક સાથે પસાર પણ નથી થઈ શકતા. અગર રેલ્વે દ્વારા બંને તરફની સેફટી ગ્રીલ માત્ર એક-એક ફૂટ ઓછી કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો કાયમી નિકાલ આવી શકે તેમ છે પરંતુ વારંવાર રજુઆત કરવા છતાં રેલ્વે વિભાગની આળસ ઉડતી નથી. જેનો ભોગ લોકો અને પોલીસ વિભાગ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...