થોડા કેટલાક સમયથી અંજારની સરકારી હોસ્પિટલ વિવાદોમાં રહી છે પરંતુ ડોકટરોની મહેનતના કારણે આ બીમાર પડેલી હોસ્પિટલમાં એવા કર્યો પણ થઇ રહ્યા છે જેના થકી ગરીબ લોકોને ખુબ મદદ મળી રહી છે. જ્યાં એક તરફ ખાનગી હોસ્પિટલો દ્વારા નવજાત બાળકોની સારવાર માટે લાખો રૂપિયા ખંખેરી લેવામાં આવી રહ્યા છે ત્યારે અંજારની સરકારી હોસ્પિટલમાં બેબી વોર્મર દ્વારા હવે નવજાત બાળકોની સારવાર માટેની પહેલ કરવામાં આવી છે.
આ અંગે અંજાર સરકારી એસ.ડી.એચ. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. અંબરીશ વશિષ્ટના જણાવ્યા મુજબ સરકારી હોસ્પીટલમાં સેવા આપતા ડો. અનંત હોંગલ, ડો. અર્ચનાબેન અને ડો. કની ચૌધરીની મહેનત થાકી બેબી વોર્મર મશીનથી સારવાર શરુ કરવામાં આવી છે. હાલ સુધી અંજારની સરકારી હોસ્પિટલમાં બાળકના જન્મ બાદ જો કોઈ સારવારની જરૂર પડતી ત્યારે બહારની હોસ્પિટલ અથવા ભુજ ખાતે નવજાત બાળકોને રીફર કરવામાં આવતું હતું. પરંતુ હવે સરકારી હોસ્પિટલમાં 3 બેબી વોર્મર મશીન આવી જતા નવજાત બાળકોની પ્રાથમિક સારવાર સરકારી હોસ્પિટલ ખાતે જ કરી શકાશે.
આ મશીન દ્વારા બાળકોના ધબકારા તપાસવા, ઓક્સીઝન લેવલ ઉપરાંત બલ્બ મારફતે બાળકને ગરમ રાખવાની સુવિધા પણ આપવામાં આવશે. અંજારની સરકારી હોસ્પિટલ પાસે હાલે પેટીની સુવિધા તો નથી પરંતુ બેબી વોર્મર મશીન થકી પ્રાથમિક તારણ કાઢી શકાય છે અને બાળકને કેટલી અને કેવી ટ્રીટમેન્ટની જરૂર છે તેનું સ્પષ્ટ તારણ પણ નીકળી શકે છે.
જો હોસ્પિટલ અપગ્રેડ થશે તો સુવિધાઓ પણ વધશે
અંજારની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 100 બેડની સુવિધા સાથે હોસ્પિટલના વિકાસ માટે હાલે ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે અને ટેન્ડરીંગ પ્રોસેસ પણ ચાલી રહી છે. જો આ કાર્યવાહીમાં ઝડપ રાખવામાં આવે અને હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવે તો મહેકમ ઉપરાંત સુવિધાઓમાં પણ વધારો થશે અને મોટા ભાગના દર્દનો ઈલાજ અંજારની સરકારી હોસ્પિટલમાં જ થઇ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.