પોલીસ સામે પડકાર:કચ્છમાં ચોરીનો ઉપદ્રવ જારી: 5 ઘટના નોંધાઇ

અંજાર,ભચાઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં નાની મોટી ચોરીના બનાવો રોજીંદા બન્યા
  • રાપરમાં વાડીએ ગયેલા પરિવારના ઘરમાં ધાડ પડી, હરામખોરો રૂા. 3.70 લાખની મત્તા ઉઠાવી ગયા

રાપર શહેરમાં વાડીએ ગયેલા પરિવારના ઘરમાં ધાડ પાડી ચોરો રૂ. 3.70 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ અંગે રાપર પોલીસ મથકેથી નવાપરા, રાપર ખાતે રહેતા સવજીભાઈ નાનજીભાઈ ભોટેસરાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 15/9ના સવારે ફરિયાદી તેમના પરિવાર સાથે તેમની વાડીએ ગયા હતા. જ્યાંથી સાંજે 6 વાગ્યે પરત ફરતા ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું અને તપાસ કરતા કબાટને તોડી તેમાંથી રૂ. 90 હજારની સોનાની રામરામી, 30 હજારનું દાણીયું, 24 હજારની 4 વીંટી, 30 હજારની ચેઇન, 15 હજારની કંઠી, 50 હજારનો ચાંદીનો કડલો, 25 હજારનો પગનો કાડીયુ, 10 હજારના સાંકડા અને રૂ. 1,00,000 રોકડા એમ કુલ મળી રૂ. 3,70,000ની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભચાઉ બસસ્ટેશનમાં કોલેજીયન યુવતીની બેગમાંથી મોબાઈલ અને રોકડની તફડંચી
ભચાઉ બસ સ્ટેશનમાં ગુરુવારે બનેલા એક બનાવમાં આધોઈની કોલેજીયન યુવતી પોતાના કોલેજનો અભ્યાસ પૂરો કરીને એસ.ટી.બસ સ્ટેશનમાં બસની રાહ જોઈ રહી હતી ત્યારે કોઈ ગઠીયો કડા કરીને યુવતીના કોલેજ બેગમાં રહેલ રૂ.14500નો મોબાઈલ અને રોકડ રૂપિયા 1040 લઈ ગયો હતો. આ બનાવ બાદ પરિવાર અને સાથી મિત્રો દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં ભચાઉ એસટી બસ સ્ટેશનના સીસીટીવી કેમેરા પણ અને મોનિટર પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા, ત્યારે મહત્વના સ્થળે કેટલાય સમયથી સીસીટીવી કેમેરા બંધ પડેલા હોવાથી કાયદો -વ્યવસ્થા ખોરવાઈ રહી છે.

અંજારમાં વૃદ્ધાના ગળામાંથી ચેન ખેંચી બાઈકર ગાયબ, 3 દિ’માં ફરી ચેન સ્નેચિંગની ઘટના બની
અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ તંત્ર જાણે મુકપ્રેસક બનીને બેઠું હોય તેમ ગુણ બનતા અટકાવવા માટે કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યા. હજુ તો 3 દિવસ પહેલા જ 2 મહિલાઓના ગળા માંથી ચેઇનની ચિલ ઝડપ કરવામાં આવી હતી આજે પોલીસે તે ગુનાનો ભેદ પણ ઉકેલી લીધો હતો. તેવામાં ફરી ધોળા દિવસે ચેઇન સ્નેચિંગ કરી બાઈકર યુવાન હવામાં ગાયબ થઈ જતા ચકચાર પ્રસરી છે. ત્યારે પોલીસની સતર્કતાથી ગુનાઓનું ડિટેક્શન તો થાય છે પરંતુ બનાવ બનતા રોકાતા ન હોવાથી અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે.

આ અંગે અંજાર પોલીસ મથકેથી વિજય નગર, જૂની કોર્ટ પાછળ રહેતા 62 વર્ષીય જશોદાબેન ગોકુલરામ ગોસ્વામીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ગુરુવારે સવારના 10-30 વાગ્યે વૃદ્ધા તેમના પતિ સાથે એક્ટિવા પર દવા લેવા જઇ રહ્યા હતા ત્યારે સવાસર નાકાથી ગંગાનાકા તરફ આવતા માર્ગ પરના ઢોળાવ પર એક સ્પ્લેન્ડર બાઈક પર જીન્સ, સફેદ સર્ટ, માથા પર લાલ રૂમાલ અને મોઢે કાળો રૂમાલ બાંધી એક અજાણ્યા શખ્સે ચાલતી એક્ટિવા પર વૃદ્ધાના ગળા માંથી રૂ. 40 હજારના કિંમતની સોનાની ચેઇન ખેંચી ત્યાંથી નાસી ગયો હતો.

આડેસર વિસ્તારની પવનચક્કીઓમાંથી કેબલ ચોરાયા
આડેસર પોલીસ મથકે સૂઝલોન કંપનીમાં સિક્યોરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 15/9ના પવનચક્કી મશીનમાંથી 600 મીટર જેટલો કોપરનો કેબલ ચોરાયો હતો. આ ઉપરાંત તા. 5/9ના અને તા. 27/8ના વધુ બે પવનચક્કીમાંથી પણ કેબલો ચોરાયા હતા. આ ઉપરાંત તા. 10/7ના માણાબા ખાતેની કંપનીની ઓફીસ માંથી સીસીટીવી કેમેરા, હાર્ડ ડિસ્ક અને પી.સી.ની ચોરી થઈ ગઈ હતી. આ તમામ ચોરીઓમાં કુલ રૂ. 98,700નો મુદ્દામાલ ચોરાયો હોવાથી ફરિયાદીએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ચપરેડીના બે ખેતરમાંથી પણ 16 હજારના કેબલની ચોરી
તાલુકાના ચપરેડી ગામે રહેતા હરીભાઇ ગોપાલભાઇ ગાગલે માધાપર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ચોરીનો બનાવ મંગળવારની રાત્રીના આઠ વાગ્યાથી બુધવારની સવાર દરમિયાન બન્યો હતો. ચપરેડી ગામે આવેલા તેમના ખેતરમાં બોરમાં લાગેલ 30મીટર વાયર કિંમત રૂપિયા 9 હજાર તેમજ બાજુમાં આવેલા રાજાભાઇ વિશ્રામભાઇ રબારીના ખેતરમાંથી 24મીટર કિંમત રૂપિયા 7,200 મળી કુલ રૂપિયા 16,200ની કિંમતનો વાયરની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...