વિવાદ:અંજારમાં રાતોરાત બની ગયેલા બસ સ્ટેશન માર્ગમાં ભ્રષ્ટાચારની ગંધ

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ બાબતે જો 2 દિવસમાં યોગ્ય નહિ કરાય તો વિપક્ષ ધરણા કરશે

અંજારમાં ચૂંટણી નજીક આવતા ઉતાવળમાં આપવામાં આવેલા કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ત્યારે રાતોરાત બનેલા બસ સ્ટેશન વાળા માર્ગમાં માત્ર એક જ દિવસમાં ખાડાઓ પડવાની શરૂઆત થઈ જતા હવે કોંગ્રેસ આકરા મૂડમાં આવી છે અને જો સોમવાર સુધીમાં વ્યવસ્થિત કામ નહીં થાય તો આ માર્ગ પર જ ધરણા કરવાની ચીમકી આપવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા થોડા દિવસો પહેલા જ માલાશેરી, ગોકુલ નગર તેમજ ગંગોત્રી સોસાયટીના માર્ગો માત્ર એક મહિનામાં જ તૂટવા લાગ્યા હોવા અંગે આવેદનપત્ર આપ્યું હતું.

જે બાબતે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી છે. તેવામાં અંદાજિત 16 લાખના ખર્ચે બસ સ્ટેશનથી ગાયત્રી ચાર રસ્તા સુધીના ખખડધજ માર્ગને રિસરફેસિંગ કરવા માટેનું ખાતમુહૂર્ત ઉતાવળે કરવામાં આવ્યું હતું. જે બાબતે આ માર્ગ પર રાતોરાત ડામર પાથરી દેવામાં આવ્યો હતો પરંતુ એકેય ખાડા પૂર્યા વગર કે લેવલ કર્યા વગર હલકી ગુણવત્તાનો ડામર પાથરવામાં આવતા રાત્રે પાથરેલો ડામર સવારે જ ઉખડવા માંડ્યો હતો જે બાબતે શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પાલિકામાં રજુઆત કરી આ ચારેય માર્ગો બાબતે તો સોમવાર સુધી યોગ્ય કરવામાં નહિ આવે તો બસ સ્ટેશન રોડ પર જ ધરણા કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની ચૂંટણીઓ ખૂબ જ નજીક આવી ગઈ છે ત્યારે પાલિકાના મોટા ભાગના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે ત્યારે ઉચ્ચકક્ષાએથી આ બાબતે પાલિકાના પદાધિકારીઓને યોગ્ય સૂચનાઓ આપી ભ્રષ્ટાચાર બંધ કરાવામાં આવે તે જરૂરી બની ગયું છે. નહિતર ચૂંટણીના પરિણામો સત્તાપક્ષ વિરોધી આવે તેવું હાલની સ્થિતિએ દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...