તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રેલવેેે વિભાગે કોઈપણ જાતની જાણકારી વગર નેશનલ હાઇવે કલાકો સુધી બંધ કરવાનું આયોજન કર્યું

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો આજે અંજારના ભીમાસર થઈ પસાર થવાના હોતો થોભી જજો
  • મેઇન્ટેનન્સના કામ માટે 12થી 5 વાગ્યા સુધી 2-2 કલાકના સ્લોટમાં ફાટક બંધ રહેશે

પૂર્વ કચ્છ રેલવે વિભાગ દ્વારા પોતાની મનમાની ચલાવી રેગ્યુલર મેઇન્ટેનન્સનું કામ ચાલુ કરવાના બહાના હેઠળ અંજાર તાલુકાના ભીમાસર ગામનું ફાટક બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં 2-2 કલાકના સ્લોટમાં બંધ કરી દેવાનો આયોજન ઘડી કાઢ્યો છે, સામાન્ય નાગરિકોને કોઈપણ જાતની અગાઉ જાણ કર્યા વગર નેશનલ હાઇવેને બંધ કરી નાખવાનો નિર્ણય કરી લેવામાં આવતા અનેક લોકો ટ્રાફિકમાં ફસાઈ જશે તેવી શક્યતાઓ ઉત્પન્ન થઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ આજે રેલવે વિભાગ દ્વારા ગાંધીધામથી ભીમાસર થઈ ભચાઉ તરફ જતા રેલવે ટ્રેક પર રેગ્યુલર મેઇન્ટેનન્સનું કામ ચાલુ કરવામાં આવનાર છે. જેના કારણે ભીમાસર (ચ) ગામ પાસે આવતો 225 નંબરના ફાટકને બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં 2-2 કલાકના સ્લોટમાં બંધ કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અંજારથી ભીમાસર થઈ વરસાણાને જોડતા આ માર્ગ પર અતિરેક ટ્રાફિક રહેતો હોવાથી નેશનલ હાઇવે જાહેર કરવામાં આવ્યો છે અને તેને નેશનલ હાઇવે નં. 341 આપવામાં આવ્યો છે.

સામાન્ય દિવસોમાં પણ આ માર્ગ પર નાના વાહનો ઉપરાંત ભારે વાહનોની મોટા પાયે અવર-જવર રહે છે. પરંતુ રેલવે વિભાગ દ્વારા ગંભીર બેદરકારી દાખવી હાઇવે બંધ કરી દેવાની કોઈપણ પ્રકારની જાણકારી સામાન્ય નાગરિકોને આપ્યા વગર આ હાઇવે આજે બંધ કરી દેવનો નિર્ણય કરવામાં આવ્યો છે, રેલવે ટ્રેકના મેઇન્ટેનન્સના બહાના હેઠળ બંધ કરવામાં આવનાર આ હાઇવે પર ફાટક બંધ કરી માર્ગને અવરોધવામાં આવતા ખૂબ જ મોટો ટ્રાફિક જામ થશે તેવી શક્યતાઓ પણ રહેલી છે. જેના કારણે આજે જો ભીમાસર(ચ) થઈને જો પસાર થવાનું વિચારી રહ્યા હો તો રસ્તો બદલી લેવો તે જ આપના માટે હિતાવહ રહેશે.

પોલીસ, ભીમાસર પંચાયત અને તમામ ખાતાને જાણકારી અપાઈ છે- ARM
આ અંગે ગાંધીધામ રેલવે વિભાગના એ.આર.એમ. આદિશ પઠાણીયા સાથે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ કામગીરી રેગ્યુલર મેઇન્ટેનન્સની છે. જેથી આ કામ કરવા માટે સૌથી ઓછી ટ્રાફિક હોય તેવા સમયે એટલે કે બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં 2-2 કલાકના અંતરે આ કામ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્ય દરમ્યાન ટ્રાફિકજામ ન થાય તે માટે સ્થાનિક પોલીસ, ભીમાસર ગ્રામ પંચાયત તેમજ લાગતા વળગતા ખાતાઓને જાણકારી અપાઈ છે. વળી ફાટક બંધ હોવાના કારણે ડાયવર્ઝન આપવાના ભાગ રૂપે રસ્તા નં. 229 પર ટ્રાફિક ડાયવર્ટ કરાશે.

દોઢ વર્ષ પહેલાં પણ રેલવે વિભાગે લોકોને ટ્રાફિકજામમાં ફસાવ્યા હતા-વી.કે. હૂંબલ
ભીમાસર (ચ) ગામમાં જ રહેતા અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા વી.કે. હૂંબલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રેલવે વિભાગ દ્વારા આડેધડ આયોજન કરવામાં આવ્યું છે. કોઈને જાણ કર્યા વગર નેશનલ હાઇવે બંધ કરી નાખવામાં આવતા લોકો ટ્રાફિકમાં ફસાઈ જશે. વળી ફાટક બંધ કરી રસ્તો બંધ કરવામાં આવનાર હોવા છતાં કોઈ ડાયવર્ઝન નથી અપાયું જેના કારણે લોકોને ફરજીયાત આ ટ્રાફિકજામ માં જ રહેવું પડશે, અગાઉ દોઢ વર્ષ પહેલાં પણ 6થી 8 કલાક આ ફાટક બંધ કરી દેવામાં આવ્યું હોવાથી લોકો લાંબા ટ્રાફિકજામમાં ફસાયા હતા. તે દ્રશ્યો રેલવેની બેદરકારીના કારણે ફરીથી જોવા મળશે.

રેલવે ટ્રેક પાર કરવા માટે કોઈ અન્ય રસ્તો છે જ નહીં-ગ્રામજનો
આ અંગે ભીમાસર (ચ) ગામના વતનીઓએ જણાવ્યું હતું કે, ભીમાસર ગામ નજીક 10 વર્ષ પહેલાં એક ખાનગી કંપની નજીક ફાટક વગરનો રસ્તો હતો, જેને રેલવે દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી હવે ભીમાસર ફાટકને પાર કર્યા બાદ જ આગળ વધી શકાય છે. જો ભીમાસર ગ્રામજનોની વાત માનીએ તો એ.આર.એમ દ્વારા જે ડાયવર્ઝન આપવાની વાત કરવામાં આવી તે પોકળ સાબિત થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...