રજૂઆત:અંજારમાં મહિલાઓ અસુવિધાઓથી ત્રાસી રજૂઆત કરવા પાલિકાએ પહોંચી

અંજાર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટર અને ગંદકીના કારણે દર મહિને દવા પાછળ 1500નો ખર્ચ થતો હોવાની રાવ

અંજારમાં વોર્ડ નં. 1ના મતીયા નગરમાં લોકો અસુવિધાઓથી ત્રસ્ત થયા છે. ગટર અને ગંદકીના કારણે આ વિસ્તારમાં બીમારીઓ ફેલાઈ છે અને દર મહિને 1500 રૂપિયાનો ખર્ચ દવા પાછળ કરવામાં આવતો હોવાની રાવ સાથે આ વિસ્તારની 50 જેટલી મહિલાઓ પાલિકાએ પહોંચી હતી. આ અંગે મળતી માહિતી મુજબ મતીયા નગરમાં અન્ય વિસ્તારો માંથી આવતું ગટરના પાણીના કારણે વર્ષોથી ચેમ્બર ભરાઈ જવાની સમસ્યા છે. આ ઉપરાંત એક વાર નિયમ અનુસાર સીસીરોડ બન્યા બાદ ખાયકીના ઉદ્દેશ્યથી નિયમોને નેવે મૂકી બનેલા રોડ પર 2 વખત સિમેન્ટ ચડાવવામાં આવ્યું છે.

જેના કારણે રોડનો લેવલ ઘરોથી ઉપર ચાલ્યો ગયો હોવાથી ગટરનું ગંદુ પાણી લોકોના ઘરોમાં આવે છે. પરિણામે આ વિસ્તારમાં ઘરે ઘરે માંદગી ફેલાઈ છે અને દર મહિને રૂ. 1500 દવા પાછળ ખર્ચ કરવામાં આવે છે. વળી જ્યારે અરજી કરાય ત્યારે જ આ વિસ્તારમાં સફાઈ કરવામાં આવતી હોવાથી ગંદકીના ગંજ જામેલા જોવા મળે છે. આ વિસ્તારમાં પછાત વર્ગના લોકો રહેતા હોવાથી પાલિકા ભેદભાવ કરતી હોવાના આક્ષેપો પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તો આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેવી ધરપત પણ આપી હતી.

પાણીના વહેણ પર દબાણ છતાં પાલિકા હટાવતી નથી
મતીયા નગરમાં વરસાદી પાણીનો મોટો વહેણ આવેલો છે. જેના પર દબાણ કરી રહેણાંક મકાનો બનાવવામાં આવી રહ્યા છે. જે બાબતે પાલિકા પાસે અરજી કરી હોવા છતાં આ દબાણો હટાવવામાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. હાલની સ્થિતિએ પણ દબાણ પ્રવૃત્તિ આ વિસ્તારમાં ચાલુ જ છે. જો વરસાદી વહેણ પણ દબાણ થઈ જશે તો વરસાદના પાણી પણ લોકોના ઘરોમાં આવી જશે ત્યારે પરિસ્થિતિ કાબુથી બહાર ચાલી જાય તેવી પણ દહેશત વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...