સરકાર દ્વારા 10 માર્ચથી રાજયના દરેક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા શાળા અને સંચાલકોને સૂચના તો આપી દેવામાં આવી પરંતુ અંજારમાં આ યોજના અમલી થઇ શકી નથી. અંજાર મામલતદાર કચેરીના મધ્યાહન ભોજન વિભાગ દ્વારા આ યોજનાનું સાપ્તાહિક મેન્યુ તો આપવામાં આવ્યું છે પણ એ મેન્યુ મુજબ જરૂરિયાતનો જથ્થો ફાળવવામાં ન આવતા ખુદ મધ્યાહન ભોજન સંચાલકો જ અવઢવમાં મુકાયા છે.
મધ્યાહન ભોજનના મેન્યુમાં સામાન્ય રીતે ખારી ભાત, પુલાવ, ખીચડી, દાળ-ભાત, દાળ ઢોકળી અને કઠોળમાં ચણા વગેરે બાળકોને ભોજનમાં પીરસવામાં આવતું હોય છે, ત્યારે મધ્યાહન ભોજન સંચાલકોને માત્ર ઘઉં અને ચોખાની જ પરમીટ મળતાં શું બનાવવું એ બાબતે સંચાલકો મુંઝવણમાં મુકાયા છે. એક બાજુ મેન્યુ મુજબ અનાજ પીરસવામાં આવે એ જોવાની જવાબદારી શાળાના આચાર્યની હોય છે અને સંચાલકે પણ મેન્યુને જ અનુસરવાનું હોય છે ત્યારે બધું કેમ હેમ ખેમ પાર પાડવું એ બાબતે પ્રશ્નો ઉભા થયા છે.
તો બીજી તરફ બે-બે વર્ષ સુધી મધ્યાહન ભોજન યોજના બંધ રહેવાના કારણે ગેસના ચૂલા વગેરેની ખસ્તા હાલટ થઇ પડી છે, ત્યારે લગભગ દોઢ-બે મહિના પહેલા તમામ પ્રાથમિક શાળા પાસેથી જરૂરિયાત મુજબ નવા ગેસ ચૂલા અને રીપેરીંગ બાબતની વિગતો મેળવી લેવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ શાળાને ફાળવવામાં આવી નથી અને ઉપરથી શાળાના આચાર્ય પાસેથી રૂ. 1000ની મર્યાદામાં ચૂલા રીપરના વાઉચર એડવાન્સમાં મંગાવી લેવામાં આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
અગાઉ મધ્યાહન ભોજન યોજનામાં કૌભાંડો બહાર આવી ચુક્યા છે
ભૂતકાળમાં પણ અંજારમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અનેક કૌભાંડો બહાર આવી ચૂક્યા છે અને અનેક સંચાલકોને છુટા કરી દેવા તથા તેમની પાસેથી રિકવરી પણ લેવામાં આવી છે. ત્યારે ફરી આચાર્યો પાસે એડવાન્સ વાઉચર માંગી લેવામાં આવતા અંજારમાં મધ્યાહન ભોજન યોજનામાં કૌભાંડ બહાર આવે તેવી પણ પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.