તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ખનીજ અધિકારીઓને ધમકાવી ડમ્પર ચાલકને ભગાડી જવાયો

અંજાર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં ખનીજ માફિયાઓની દાદાગીરી ખનીજ વિભાગ પર ભારે
  • અમારું ડમ્પર કેમ પકડ્યું તેવું કહી મારી નાખવાની ધમકી અપાઈ

અંજારમાં પૂર્વ કચ્છની ખાણ-ખનીજની મુખ્ય કચેરી હોવા છતાં ખનીજ માફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે. તેવામાં રહેમ નજર હેઠળ ચાલતા ખનીજના વેપલા પર કરવામાં આવેલી કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગ પર જ ભારે પડી હતી અને અધિકારીની નજર સામે જ ધાક ધમકી કરી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરના ચાલકને કારમાં બેસાડી ભગાડી જવામાં આવ્યો હતો.

આ અંગે અંજાર પોલીસ મથકેથી પૂર્વ કચ્છ ખાણ ખનીજ કચેરીમાં માઇન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ લકુમની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ બુધવારે બપોરના 1 વાગ્યાના અરસામાં ફરિયાદી તથા સિક્યુરિટીના 3 માણસો અને ડ્રાઇવર સાથે તેઓ વિડી-દેવળીયા સીમમાં ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે 40 ટન રેતી ભરેલું ડમ્પર ત્યાંથી પસાર થતા તેને રોકવા માટે ડમ્પરનો પીછો કરવામાં આવ્યો હતો. પરંતુ એક નંબર પ્લેટ વગરની બોલેરો પિકપ વચમાં અડચણ રૂપ બની હતી. જેનો લાભ લઇ ડમ્પર ખાણ વિસ્તારના કાચા માર્ગે જતો રહ્યો હતો. તેમ છતાં તેનો પીછો કરી ડમ્પરને ઓવરટેક કરી રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

પરંતુ ચાલકે ડમ્પર રોક્યો ન હતો અને આગળ જતાં કાદવમાં તે ફસાઈ ગયો હતો. આ દરમપં એક સ્કોર્પિઓ કાર વડે શીણાય ગામે રહેતો રાજેશ વેલજી વાઘમશી ઉર્ફે જીણીયો ત્યાં પહોંચી આવ્યો હતો અને અમારૂ ડમ્પર કેમ રોકયું તેવું કહી પોલીસ કાર્યવાહી કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ડમ્પરના ચાલકને કારમાં બેસાડી ત્યાંથી ચાલ્યો ગયો હતો. જેથી ખાણ-ખનીજ કચેરીના અધિકારી દ્વારા અંજાર પોલીસ મથકે ફરજમાં રુકાવટ તેમજ અન્ય કલમો તળે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અગાઉ પણ ખાણ વિસ્તારમાં માથાકૂટ થઈ ચુકી છે
એવું નથી કે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને પહેલીવાર ધમકી અપાઈ છે, વિડી તરફના મોટા ભાગની ખાણોમાં ગેરકાયદેસર રીતે ઉત્ખનન થાય છે અને તેમના પર કાર્યવાહી કરવા અનેક વખત ટીમો પણ ગઈ છે, પરંતુ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી અનેક વખત ટીમોને પરત મોકલવામાં આવી છે. પરંતુ આ વખતે આ નીતિ કામ ન આવી હોવાથી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...