તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરાબ રસ્તા:ભીમાસરથી વરસાણા સુધીના માર્ગની ખસ્તા હાલત

અંજાર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 6 કિ.મી.નો પંથ કાપવામાં 20 મિનિટનો લાગતો સમય
  • ખરાબ રસ્તાના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે

વરસાણાથી અંજાર આવતો 22 કી.મી.ના માર્ગ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ઔધોગિક એકમો આવેલા છે, જેના કારણે આ માર્ગ પર મોટા વાહનોની ભારે અવર-જવર રહેતી હોવામાં કારણે સતત ટ્રાફિક પણ રહેતી હોય છે. ભારે વાહનો આ માર્ગ પરથી અવર-જવર કરતા હોવાના કારણે માર્ગો સોથ વળી ગયો છે અને મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. પરંતુ અધિકારીઓની અનિચ્છાના કારણે આ માર્ગ તરફ છેલ્લા 10 વર્ષથી જોવામાં જ નથી આવ્યું જેના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે અને ઘણા જીવો પણ ગયા છે.

અનેક રજૂઆતો અને આંદોલનો બાદ આખરે તંત્રને જાગવું પડ્યું હતું અને રૂ. 20 લાખના ખર્ચે આ માર્ગને રીપેર કરવામાં આવ્યો હતો. પરંતુ આ કામમાં પણ થઈ શકે તેનાથી પણ વધુ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાથી રીપેર કર્યાના થોડા દિવસોમાં જ હતા તેનાથી પણ વધુ ખાડાઓ આ માર્ગ પર પડી ગયા હતા. જેથી ફરી આંદોલનો કરવામાં આવતા આખરે રૂ. 12 કરોડના ખર્ચે અંજારથી વરસાણાને જોડતા 22 કી.મી.ના માર્ગને મંજુર કરવામાં આવ્યો હતો અને જે-તે એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ લોકડાઉન અને કોરોનાના કારણે મજૂરો ચાલ્યા જતા એજન્સી દ્વારા હજુ સુધી આ માર્ગનું કામ શરૂ કરવામાં નથી આવ્યું જેના કારણે આ માર્ગ પર આવતા ભીમાસર ગામથી વરસાણા સુધી પહોંચવા માત્ર 6 કી.મી.નો પંથ કાપવા મોટા મોટા ખાડાઓના કારણે 20 મિનિટ જેટલો સમય લાગી જાય છે. તેમાંય વાહનોમાં થતી નુકશાની પણ સહન કરવી પડે છે. આ બાબતે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ સુધી કામ ન થતા ફરી આંદોલન કરાય તેવા ભણકારા વાગી રહ્યા છે.

10 દિ’માં કામ ચાલુ કરવાની ધરપત અપાઈ- વી.કે. હુંબલ
આ અંગે ભીમાસર ગામમાં રહેતા અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા વી.કે. હુંબલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડા પ્રધાન બન્યા ત્યારે આ માર્ગને ફોરલેન જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીઓની મિલીભગતના કારણે જમીન સંપાદન જ કરવામાં ન આવી, જેના કારણે એક એજન્સીને તો નુકશાન પણ થયું છે અને તેણે કેસ પણ કર્યો છે, બીજી એજન્સીને હંગામી કામ 12 કરોડમાં આપાયું છે, છતાં હજુ કામ ચાલુ નથી થયું, એજન્સી સાથે વાત કરતા 10 દિવસમાં કામ શરૂ કરવાની ધરપત અપાઈ છે, જો હવે કામ શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરાશે.

વરસામેડી તથા મોડવદર પાસેના પુલિયાની રેલિંગ પણ તૂટી ગઈ, અકસ્માતનો ભય
વરસાણાથી અંજારને જોડતો આ 22 કી.મી.ના માર્ગ પર વરસામેડી તથા મોડવદર પાટિયા પાસે 2 પુલ આવેલા છે. જે પુલની રેલિંગ પણ તૂટી ગઈ છે. જેના કારણે ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જો આ રેલિંગનું કામ તાત્કાલિક શરૂ નહીં કરાય તો લોકોના જીવ પર જોખમ સર્જાય તેવું હોવાથી તાત્કાલિક કામગીરી કરાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...