ક્રાઇમ:અંજારમાં મની ટ્રાન્સફરનું કામ કરતો યુવાન લૂંટાયા બાદ આરોપીઓ પોલીસ પકડથી દૂર

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે નાકાબંધી સહિતની કાર્યવાહી કરી પરંતુ સફળતા ન મળી

અંજારમાં છેલ્લા કેટલાક સમયથી જાણે ખાખીની ધાક ઓસરી હોય તેમ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોએ હદ વટાવી છે અને જાહેરમાં ગુન્હાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ જ ધાક બેસાડતી કામગીરી કરવામાં ન આવતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. તેવામાં ફરી પલ્સર બાઇક ચાલક ગેંગ દ્વારા જાહેરમાં મરચાની ભૂકી છાંટી મની ટ્રાન્સફરનું કામ કરતા યુવાનનો 4,05,000 રૂપિયા ભરેલો બેગ ઝૂંટવી લઈ લૂંટ ચલાવવામાં આવી હોવાની અંજાર પોલીસ ફરી લોકોની ટીકાઓનો ભોગ બની છે.

આ અંગે મળતી માહિતી મુજબ બુધવારે રાત્રે 7-45 વાગ્યાના અરસામાં અભિષેક કોમ્પ્લેક્ષમાં શ્રેય મનીટ્રાન્સફર નામની ઓફીસ ચલાવતા અને દબડાના અયોધ્યા નગરમાં રહેતા 32 વર્ષીય સુનિલ ગોવિંદભાઇ હડિયા તેના 10 વર્ષીય ભત્રીજા શ્રેય સાથે મોટર સાઇકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે જકાતનાકાથી કળશ સર્કલ પાસે જતા માર્ગ પર આવતા બ્લોકના કારખાના પાસે પાછળથી પલ્સર બાઇક પર બે અજાણ્યા શખ્સો આવી, ફરિયાદીના આંખમાં મરચાની ભૂકી છાંટી મોટરસઈકલની પેટ્રોલ ટાંકી પર રાખેલ 4,05,000 રૂપિયા ભરેલો બેગ ઝૂંટવી લઈ નાસી ગયા હતા. જે સંદર્ભે અંજાર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે નાકાબંધી સહિતની કાર્યવાહી કરી હતી. પરંતુ આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા ન હતા. જે સંદર્ભે ગુરુવારે પણ પોલીસ દ્વારા અલગ અલગ ટિમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈપણ પ્રકારની ભાળ મળી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...