નિર્ણય:અંજાર પાલિકામાં કર્મીઓની ગેરહાજરી આંખે વળગી, પ્રમુખ સ્વયં કરશે આકસ્મિક તપાસ

અંજાર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈ કહેવા વાળંુ ન હોવાથી કર્મચારીઓ મોડા આવે અને વહેલા ચાલ્યા જતા હોવાના આક્ષેપો

અંજાર નગરપાલિકા થોડા કેટલાક સમયથી ચાર્જ સીસ્ટમ પર ચાલતી હોવાથી મુખ્ય અધિકારીની ગેરહાજરીનો જાણે કર્મચારીઓ ફાયદા ઉપાડતા હોય તેમ બપોરે 12 વાગ્યે આવી અને સમય કરતા વહેલા ચાલ્યા જતા હોવાથી લોકોના કામો અટવાઈ ગયા છે એક સમયે 4 વખત હાજરી ભરવાની વાત હવામાં રહી ગઈ છે.

અંજાર નગરપાલિકામાં કર્મચારીઓ હાજર રહેતા ન હોવાની ફરિયાદ સાથે વિપક્ષ દ્વારા ચાર્જ પર રહેલા ચીફ ઓફિસર જીગર પટેલને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા દરેક કર્મચારીઓની દિવસમાં 4 વખત હાજરી ભરવામાં આવે તેવો મૌખિક હુકમ કર્યો હતો. જેમાં પહેલા દિવસે મોડા આવેલા 2 કર્મીઓને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. પરંતુ તે ઘટના બાદ ઇન્ચાર્જ ચીફ ઓફિસર ખુદ ગેરહાજર રહેતા હોવાથી કર્મચારીઓએ અંદરો અંદર સેટિંગ કરી લીધું હોવાથી જેને જે ઠીક લાગે તે સમયે હવે કચેરીએ આવી રહ્યા છે.

અમુક કર્મચારીઓ તો કોઇપણ જાતની રજા રાખ્યા વગર જ દિવસ આખો આવતા જ ન હોવાથી પાલિકાનો ગેરવહીવટ આંખે વળગી રહ્યો છે. આ અંગે અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હું દરરોજ મારા નિયત સમય મુજબ પાલિકા ખાતે હાજર રહું છું તો કર્મચારીઓને તો રહેવું જ પડે. મોડા આવે અથવા ન આવે એ તો ચાલે જ નહિ. જેથી હવે હું દરરોજ આ બાબત તપાસવા નીકળીશ અને જો કર્મચારી મોડા આવશે કે રજા વગર ગેરહાજર રહેશે તો તેમના વિરુદ્ધ પગલાં પણ ભરાશે.

અમુકને કર્મીઓને ખુલ્લો દોર તો અમુક પર આકરા પ્રતિબંધો
વ્હાલા દોહાલાની નીતિથી ચાલતી અંજાર નગરપાલિકામાં તમામ કર્મચારીઓને ખુલ્લો દોર નથી મળ્યો, અમુક એવા કર્મચારીઓ પણ છે, જેમના પર આકરા પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. ઈમાનદારીથી કામ કરતા આ કર્મચારીઓને લંચના સમયે પણ કામ કરવું પડી રહ્યું છે. જેથી તેમનું શોષણ થતું હોય તેવી રાવ પણ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...