પોલીસ માનસિક અત્યાચારનો ભોગ:અંજાર પોલીસ સ્ટેશનમાં સ્ટાફ ઘટથી કર્મચારીઓ પર બમણા કામનું ભારણ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉંચકાતા ક્રાઇમ રેટ વચ્ચે 200ના મહેકમ સામે 91 પોલીસ જવાનો
  • વિસ્તાર અને ક્રાઇમ રેટ એમ બંને રીતે સૌથી​​​​​​​ મોટું સિંગલ પોલીસ સ્ટેશન અંજાર હોવા છતાં કોઈનું ધ્યાન નહીં : મહેકમ મુજબ નિમણૂક થવી જરૂરી

કચ્છ જિલ્લાનું અંજાર પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ ક્રાઇમની દ્રષ્ટિએ સૌથી મોટો સિંગલ પોલીસ સ્ટેશન છે પરંતુ અડધાથી પણ ઓછા મહેકમ હોવા છતાં હજુ સુધી વિભાગ પાડવાની દરખાસ્તને ધ્યાને ન લેવાતા અંજાર પોલીસ માનસિક અત્યાચારનો ભોગ બની છે.

અંજાર પોલીસ સ્ટેશનના ક્રાઇમની વાત કરીએ તો વાર્ષિક 350 મોટા ક્રાઇમ થતા હોવાનો રેશિયો અંજારમાં રહેતો હોય છે, જે આખા કચ્છમાં સૌથી વધુ છે અને વિસ્તારની વાત કરીએ તો વરસાણાથી રતનાલ સુધીનો વિસ્તાર અંજાર પોલીસની હદમાં આવે છે અને આખા વિસ્તારની વાત કરીએ તો 60 કી.મી. થી પણ વધુનો વિસ્તાર અંજાર પોલીસ સ્ટેશનની હદમાં સમાવેશ થાય છે, જેને પહોંચી વળવા 2 પી.આઈ. 6 પી.એસ.આઈ મળી કુલ 200 પોલીસ જવાનોના મહેકમની આવશક્યતા છે.

પરંતુ હાલની સ્થિતિની વાત કરીએ તો 1 પી.આઈ. 3 પી.એસ.આઈ. મળી કુલ 91 પોલીસ જવાનોનો મહેકમ અંજાર પોલીસને મળેલો છે એટલે કે અડધાથી પણ ઓછો મહેકમ અંજારમાં કાર્યરત હોવાથી બમણા કામના ભારણ સાથે પોલીસ કર્મીઓ કામ કરી રહ્યા છે. એટલું જ નહીં હાલના 91ના સ્ટાફ માંથી 20 લોકો તો અલગ-અલગ જગ્યાએ ફરજીયાત ડેપ્યુટશન પર રહે છે અને 5 લોકો જુદી જુદી જગ્યાએ લઈ જવાતી કેદી પાર્ટીમાં રહે છે એટલે કે 66 જવાનોના માથે 60 કી.મી કરતા પણ વધુના વિસ્તારની રક્ષણ કરવાની જવાબદારી છે.

66ના મહેકમ માંથી 33 ટકા સ્ટાફ રાત્રીના સમયે પોલીસ સ્ટેશન, પેટ્રોલિંગમાં રહે છે જેઓને નાઈટ કર્યા બાદ પણ કાયદો વ્યવસ્થાને સાચવવા સવારે ફરી પાછા નોકરી પર હાજર થઈ જવું પડે છે એટલેકે રીતસર અંજાર પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ માનસિક વેદનામાં રહે છે અને અત્યાચાર સહન કરી રહ્યા છે પરંતુ આટલી મોટી સમસ્યા હોવા છતાં આજદિન સુધી આ માટેનો નિરાકરણ લાવવાનો કોઈ પ્રયત્ન નથી કરાયો ખરેખર આ સમસ્યાને નિવારવા ગાંધીધામ, ભુજની માફક અંજાર પોલીસ સ્ટેશનના એ,બી એમ બે ભાગ પાડવા જરૂરી છે પરંતુ તે માટેનો પ્રપોઝલ તૈયાર કરી ગૃહ વિભાગને મોકલવાનો હોય છે જે મોકલી દીધો હોવા છતાં હજુ સુધી પરવાનગી આપવામાં ન આવતા દયનિય સ્થિતિમાં અંજાર પોલીસ લોકોની રક્ષા કરી રહી છે.

મેઘપર-બોરીચી અલગ પોલીસ સ્ટેશન માટે દરખાસ્ત મુકાઈ પણ મંજુર કયારે થશે તે પ્રશ્ન
અંજાર વિસ્તારમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટેનો એકમાત્ર ઉપચાર એ છે કે મેઘપર-બો.નું પોલીસ સ્ટેશન અલગ થાય રેસિડેન્ડ, કોમર્શિયલ વિસ્તરનું હબ ગણાતો આ વિસ્તારમાં જો અલગ પોલીસ મથક સ્થપાય અને મહેકમ ફળવાય તો તમામ સમસ્યાનો અંત આવી શકે તેમ હોવાથી સરકાર સમક્ષ મેઘપર-બો. પોલીસ મથક અલગ બનાવવા દરખાસ્ત કરી દેવામાં આવી છે. પરંતુ સરકારને જાણે અંજારનું ભલું કરવામાં રસ જ ન હોય તેમ હજુ સુધી દરખાસ્ત મંજુર કરવામાં આવી નથી. આ બાબતે સ્થાનિકેથી જો અવાજ ઉઠાવવામાં આવે તો ચોક્કસ અંજારની સમસ્યા હલ થઈ શકે તેમ છે.

રાજકીય દબાણ આવે તો જ દરખાસ્ત મોકલાવાય ?
ભૂતકાળ સાક્ષી છે કે રાપર, લાકડીયા પોલીસ સ્ટેશન રાજકીય રીતે દબાણ થયા બાદ મંજુર થયો છે. તો અંજારમાં તો એટલા મોટા-મોટા કહેવાતા નેતાઓ છે કે દરરોજ ગાંધીનગરના લાઈવ કોન્ટેક્ટમાં રહે છે. જો ખરેખર પોતાના વિસ્તારમાં કઈ ભલું કરવું હોય તો લોકો શાંતિથી જીવી શકે તે માટે પોલીસ બળ વધુ મજબૂત બને અને તાત્કાલિક દરખાસ્ત મંજુર થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ પરંતુ તમામ દોષનો ટોપલો પોલીસના માથે ફોડી નાખવામાં આવતો હોવાથી પરિસ્થિતિ સુધરે તેવા આસાર જ દેખાતા નથી.

અન્ય સમાચારો પણ છે...