લોકો સાથે મજાક:અંજારમાં ડિડિટીના નામે પાવડરનો છંટકાવ

અંજાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્વારા બીમારીના સમયમાં જ લોકો સાથે મજાક: માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી, દવા છટકાવ જેવી સામાન્ય બાબતોમાં પણ ભ્રષ્ટાચારનો શહેરીજનોનો ગંભીર આક્ષેપ

અંજાર નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને છાવરી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના અનેક વખત આક્ષેપો ઉઠી ચુક્યા છે. તેવામાં જ્યારે અંજારમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓએ ભરડો લીધો છે ત્યારે પાલિકા જાણે લોકો સાથે મજાક કરી રહી હોય તેમ ડિડિટીના નામે માત્ર સફેદ પાવડરનો છટકાવ કરી દવા છાંટવા જેવી નાની બાબતમાં પણ ભ્રષ્ટાચાર કરી રહી છે.

અંજારમાં છેલ્લા 3 મહિનાથી ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા સમયસર દવા છટકાવ ન કરવામાં આવતા મચ્છરજન્ય રોગોમાં ઉછાળો નોંધાયો હતો. જેના કારણે અધિકારીઓ અને પદાધિકારીઓને લોકો મેણું મારતા જોવા મળ્યા હતા. જે બાદ પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારમાં માત્ર દેખાડો કરવા પૂરતી કામગીરી કરી હતી. જે સંદર્ભે વોર્ડ નં. 1ના દબડા રોડ પર ડિડિટીની જગ્યાએ માત્ર સફેદ પાવડરનો જ છટકાવ કરવામાં આવ્યો હતો.

જ્યારે લોકોએ આ પાવડર હાથમાં લઈ તપાસ્યો ત્યારે જાણકારી મળી કે આ પાવડર ડિડિટી છે જ નહીં તો પાલિકાએ સફેદ પાવડર શા માટે છાંટયો તેવા પ્રશ્નો પણ લોકોએ કર્યા હતા. હકીકતે છેલ્લા 2 વર્ષોથી પાલિકા દ્વારા કોઈપણ કારણોસર ડિડિટીની જગ્યાએ માત્ર સફેદ પાવડર જ છાંટવામાં આવી રહ્યો છે અને દવાના રૂપિયા બરોબર ખાઈ જઇ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનું પણ લોકોની ચર્ચામાં સાંભળવા મળ્યું છે.

આ અંગે અંજાર નગરપાલિકાના સેનિટેશન વિભાગના ઇન્સ્પેકટર તેજપાલ લોચાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ડિડિટીનો છટકાવ કરતા પહેલા તેમાં સફેદ પાવડર મિક્સ કરવો જ પડે છે. વોર્ડ નં. 1માં જે દવાનો છટકાવ કરાયો છે તે ડિડિટી છે. પરંતુ તેમાં સફેદ પાવડરનો પ્રમાણ વધુ પડી ગયો હોય તો ડિડિટીની વાસ ન આવે તેવું બની શકે છે. આ બાબતે કર્મચારીઓને યોગ્ય સૂચના આપી મિક્સિંગ યોગ્ય રીતે કરવામાં આવે તે માટેની સૂચના અપાશે તેવું જણાવવામાં આવ્યું હતું.

શહેરમાં સુધરાઇએ પાવડર તો છાંટયો પણ આરોગ્ય વિભાગે તો કઈ કર્યું જ નહીં..!!
અંજાર નગરપાલિકાનું તંત્ર ખડે ગયું છે તેવું લોકો હમેશ કહેતા હોય છે પરંતુ તેનાથી પણ વધુ ખરાબ હાલત તો આરોગ્ય વિભાગની છે. આરોગ્ય અધિકારીને અંજારની ક્યારેય ચિંતા જ નથી રહી જેના કારણે મહામારી જેવા સમયમાં પણ અંજારમાં કરવાની થતી કામગીરી કરાઈ જ નથી. હાલના સમયમાં પણ પાલિકાએ ભલે દેખાડવા પૂરતી કામગીરી તો કરી છે પણ આરોગ્ય વિભાગના માત્ર એક અધિકારીના કારણે જ કામગીરી ન કરતી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. પાલિકા અને આરોગ્ય વિભાગની કામગીરી સામે નારાજગીનો સૂર ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...