સંગઠિત થઇને લડત આપનાર પશુપાલકોની જીત થઇ છે અને હવે સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટે રૂ. 20નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે માલધારીઓને બોનસ સહીત રૂ. 51.50 પ્રતિ લીટરે મળતા થશે.
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા આગામી તા.16/3થી દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે વધારા બાદ બોનસ સહિત 735 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પશુપાલકોને મળતા થશે, જેમાં પ્રતિ લિટર પશુપાલકોને 7 ફેટના 51.50 રૂપિયા મળતા થશે. આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટરે 1.5 રૂપિયાનો વધારો થશે અને સરહદ ડેરીને દૈનિક 6 લાખ રૂપિયાનું ભારણ વધશે. અમુલ દ્વારા હાલમાં વધારવામાં આવેલ ભાવો, ઘાસચારના ભાવમાં વધારો, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારમાં ઘાસ તેમજ પાણીની તંગી વગેરે બાબતો ધ્યાને લઈ અને પશુપાલકોની લાગણીને માન આપી અને ભાવ વધારો કરવામાં આવ્યો છે.
આ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે વેપારીઓ અને પ્રાઈવેટ ડેરીઓ દ્વારા સિઝનમાં એટલે કે શિયાળામાં દૂધના ભાવોમાં ઘટાડો કરવામાં આવે છે પરંતુ દૂધ સંઘ દ્વારા ઘટાડો કરવામાં આવતો નથી. પશુપાલકોમાં જાગૃતતા જરૂરી છે પરંતુ ગેરમાર્ગે દોરાવવું નહીં.સરહદ ડેરી પશુપાલકો મંડળીઓના પ્રતિનિધિઓ જેમાં ડેરીના ડાયરેક્ટર જયંતિલાલ ગોળ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નારણભાઈ આહિર, પરેશસિંહ જાડેજા, વિરમ આહિર, ફકીરમામદ રાયશી, રમેશ આહિર, લખમણભાઈ, દાનાભાઈ આહિર, આશાભાઈ રબારી, જિગ્નેશ હુંબલ, ભરતભાઈ ડાંગર, રવજીભાઈ રબારી, મયુર મોતા, પ્રવીણસિંહ, ભીમજી નારણ, દેવાભાઈ રબારી, મહીદીપસિંહ, હારુન સુમરા, હિતેશ સાંજવા વગેરે વગેરે દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ભાવ વધારા માટે રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ અમુલ અને સરહદ ડેરીના અધિકારીઓ સાથે ચર્ચા કરી ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.