ધરપકડ:મેઘપર-બો.માં છરીની અણીએ લૂંટ ચલાવાઈ, આરોપીઓ જબ્બે

અંજાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૂંટના મોબાઈલ વેચવા નીકળતા આરોપીઓ પોલીસના હાથે ઝપડાયા

અંજાર તાલુકાના મેઘપર-બો. પાસેના હાઇવે પર આવેલી હોટલ પર બાઇક પર આવેલા 2 યુવાનો દ્વારા લાકડી વડે 5 લોકોને ઇજાગ્રસ્ત કરી છરીની અણીએ ગલ્લા માંથી રોકડ તેમજ મોબાઈલો ઝૂંટવી રૂ. 15,000ની મત્તાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. જે બનાવમાં ફરિયાદ નોંધાતા જ લૂંટના મોબાઈલ વેચવા નીકળેલા યુવાનોને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજાર-ગળપાદર હાઇવે પર મેઘપર-બો.ની શિવશકિત હોટલ ચલાવતા 29 વર્ષીય રોબી નરેન્દ્ર પાલે ફરિયાદ નોંધાવી હતી કે, રવિવારે સાંજે 7-30 વાગ્યે એક છોકરો ફરિયાદીની હોટલ પર આવી કોઈ બાઇક ચાલકે તેનો મોબાઈલ ઝૂંટવી લીધા હોવાનું જણાવતા ફરિયાદી રોડ પર જોઈ રહ્યા હતા ત્યારે 20થી 25 વર્ષની ઉંમરના 2 યુવાનો પલ્સર બાઇક પર આવી શુ જુઓ છો તેવું કચ્છીમાં કહી એક યુવાને છરી બતાવી બીજાએ ફરિયાદીના કપાળ પર ધોકો મારી માથું ફાડી નાખ્યું હતું. જેથી હોટલ પર ચા પીવા આવેલા મહાવીર કાકા, દિલીપભાઈ, ધીરેનભાઈ અને ફરિયાદીના કાકાનો છોકરો દુલાલ આવી જતા યુવાનોએ એ તમામને લાકડીથી માર માર્યો હતો અને હોટલમાં રહેલી રૂ. 10 હજારના કિંમતની ટીવીને તોડી પડી ગલ્લામાં રહેલા સાડા ચારથી પાંચ હજાર રૂપિયા રોકડા તેમજ ફરિયાદીનો મોબાઈલ તેમજ મહાવીર કાકા તેમજ અન્યોના મોબાઈલો છરીની અણીએ છીનવી લીધા હતા અને બાઇક લઈ નાસી ગયા હતા.

જે અંગે ફરિયાદીએ સોમવારે સાંજે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને બતમીદારો પાસેથી માહિતી લેતા બે યુવાનો મોબાઈલ વેચવા નીકળ્યા હોવાની બાતમી મળતા નંબર પ્લેટ વગરની પલ્સર બાઇક પર નીકળેલા ગરાસીયાવાસ, શેખટીંબામાં રહેતો 21 વર્ષીય ઇબ્રાહિમ હુસેન કકલ તથા 27 વર્ષીય આમદ હારુન બાફણને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલી લીધો હતો. જેથી પોલીસે 50 હજારની બાઇક, 21 હજારના 6 મોબાઈલ તથા રૂ. 4840 રોકડ સહિત કુલ રૂ. 75,840નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...