કાર્યવાહી:રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી અંજારના વીડીમાંથી 200 ટન બોક્સાઇટ ઝડપી લીધું

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે, જથ્થો ખનીજ વિભાગને સોંપાયો

અંજાર તાલુકાના વિડી ગામે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનિજની હેરફેર કરાતી હોવાની અનેક વખત ફરિયાદ ઉઠી ચુકી છે. જે બાદ રેન્જ આઈ.જી.ની ટીમે સ્થાનિક તંત્રને અંધારામાં રાખી 200 ટન જેટલો બોક્સાઇટનો જથ્થો ઝડપી લીધો હતો.

આ અંગે કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમના પી.આઈ. ભાવીન સુથારે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજારના વીડી પાસે આવેલી કુબેર મિનરલ્સ નામની ક્રશિંગ પેઢીના પરિસરમાં બોકસાઈટનો જથ્થો પડયો હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં સ્થળ પર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટીએ બોકસાઈટનો જ જથ્થો હોવાનુ દેખાતા તેના આધાર પુરાવા સ્થળ પર હાજર સુપરવાઇઝરથી માંગતા તેઓએ લેટરરાઈડ ખનીજની રોયલ્ટીના આધારો આપ્યા હતા. જેથી રેન્જની ટિમ દ્વારા અંદાજિત 200 ટન જેટલો જથ્થો સ્થળ પરથી કબ્જે કરી લીધો હતો. જે બાદ ઝડપાયેલા જથ્થાને પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગને સોંપી દિવામાં આવ્યો હતો. હાલે મળેલા ખનિજના જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ખનીજ વિભાગની નિષ્ક્રિય કામગીરી થકી ભુમાફિયાઓ ફાટીને ધુમાડે ગયા
પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગની મુખ્ય કચેરી અંજારમાં હોવા છતાં નાગલપર, વિડી સાહિતમાં વિસ્તારોમાં બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. ખનીજ કચેરીના અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે આ વિસ્તારોમાં ભુમાફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે અને બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. આ ઉપરાંત ખનીજ ચોરી રોકવા ગયેલી ટિમ પર આ અગાઉ હુમલા પણ થઈ ચૂક્યા છે છતાં હજુ સુધી ગણના પાત્ર કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ નથી. જેથી ન છૂટકે રેન્જ આઈ.જી.ની ટિમ દ્વારા આ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...