તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોજણી:અંજાર પાલિકા દ્વારા મિલકતોની મોજણી શરૂ

અંજાર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની આવકમાં 30 ટકાનો વધારો થશે, વિકાસલક્ષી ગ્રાન્ટ મેળવવામાં ફાયદો થશે

અંજાર નગરપાલિકા દ્વારા હવે શહેરમાં મિલ્કતોનો સર્વે હાથ ધરાયો છે, જેમાં પાલિકામાં ન નોંધાયેલ હોય તેવી મિલ્કતોને ચપડે ચડાવવામાં આવશે, જેના કારણે પાલિકાને દર વર્ષે વેરાઓની આવકમાં 30 ટકાનો વધારો મળવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યું છે, જો ખરેખર પાલિકાની આવકમાં વધારો થાય તો વિકાસલક્ષી ગ્રાન્ટ મેળવવામાં પણ ફાયદો થશે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારમાં એવી ઘણી મિલ્કતો છે જે પાલિકાના ચોપડે ચડી જ નથી. કોઈપણ મંજૂરી વગર કરવામાં આવતા બાંધકામોના કારણે તે મિલ્કતોનો વેરો પણ ભરવામાં નથી આવતો પરિણામે પાલિકાને દર વર્ષે આવક હોવી જોઈએ તેના કરતાં ઓછી થઈ રહી છે. જેથી અંજાર નગરપાલિકા દ્વારા આવી મિલ્કતોનો હાલે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વણનોંધાયેલી મિલ્કતોને ચપડે ચડાવી દર વર્ષે વેરાઓ ઉઘરાવવામાં આવશે. આ સર્વે જો ઈમાનદારીથી કરવામાં આવે તો પાલિકાને માત્ર ટેક્સ પેટે જ 30 ટકા વધુ આવક મળી શકશે તેવો પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. અગર અંજાર નગરપાલિકાની વેરાની આવક વધે તો પાલિકાનું વર્ચસ્વ પણ વધશે, જેના કારણે વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવવામાં પણ પ્રાધાન્ય મળશે. જેનો સીધો ફાયદો સ્થાનિક નાગરિકોને મળશે.

રદ્દ થયેલી મિલકતો ચોપડેથી પણ કમી કરવી જરૂરી
આ અંગે પાલિકાના સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલે અંજારમાં અંદાજિત 33 હજાર રહેણાંક, 8 હજાર કોમર્શિયલ મિલ્કતો પાલિકાના ચોપડે ચડેલી છે. જેમાં ટીપી 1 અને 2માં 25 ટકા મિલ્કતો એવી છે જે ભૂકંપમાં પડી ગયેલી, રદ્દ થયેલી કે ખાલી પ્લોટ તરીકે આવેલી છે. તેમ છતાં પાલિકાના ચપડે આજની તારીખે તે મિલ્કત બોલી રહી હોવાથી આવી મિલકતોના વેરા ભરવામાં નથી આવતા પરિણામે દર વર્ષે ટાર્ગેટ પૂર્ણ કરવામાં તકલીફો પડી રહી છે. અગર આવી મિલ્કતો યોગ્ય સર્વે કરી ચોપડેથી કમી કરવામાં આવે તો ખરેખર સાચી હકીકત બહાર આવે તેમ છે.

શહેરના અમુક વિસ્તારો એવા કે જેઓ વેરા જ નથી ભરતા
અંજાર શહેરની અડધી મિલ્કતો એવી છે જે લિઝ પર છે, ગરીબ વિસ્તારમાં પાલિકાએ પાયાની સુવિધાઓ વિકસાવી દર વર્ષે વેરાના બિલ પધરાવે છે, પરંતુ આ ગરીબ વિસ્તારો માંથી ઉઘરાણીના નામે કઈ મળતું જ નથી, મસમોટા બિલો અને ગેરકાયદેસરના દબાણો હોવા ઉપરાંત પાલિકાના કર્મચારીઓ દ્વારા પણ આ વિસ્તારમાં જોઈએ તેવી વસુલાત કરવામાં ન આવતી હોવાના કારણે પાલિકાને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હોવાની વાત ખુદ પાલિકાના કર્મચારીઓ જ જણાવી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...